Tuesday, July 15, 2025
More

    પ્લેન ક્રેશના પ્રત્યેક મૃતક પરિવારને ₹1 કરોડ અને ઇજાગ્રસ્તોને સારવારનો ખર્ચ આપવાની ટાટા ગ્રુપની જાહેરાત: ક્ષતિગ્રસ્ત ઇમારતોનું પણ કરશે નિર્માણ

    ટાટા (TATA) સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું છે કે, કંપની અમદાવાદમાં (Ahmedabad) એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના (Plane Crash) મૃતકોના પરિવારોને ₹1 કરોડ આપશે. CNBC TV18 સાથે વાત કરતા તેમણે કહ્યું છે કે કંપની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ વ્યક્તિઓના તબીબી ખર્ચ પણ ચૂકવશે.

    વધુમાં, ટાટા એર ઇન્ડિયા ક્રેશ થયેલા વિમાનથી નુકસાન પામેલી ઇમારતોનું પણ ફરીથી નિર્માણ કરશે. બોઈંગ 787-8 વિમાન ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી એરપોર્ટ નજીક મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજના ડોક્ટર્સ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. આ ઘટનામાં હોસ્ટેલની ઇમારતોને ભારે નુકસાન થયું છે. ચંદ્રશેખરને જણાવ્યું છે કે, ક્ષતિગ્રસ્ત ઇમારતોને કંપની દ્વારા ફરીથી બનાવવામાં આવશે.

    દુર્ઘટનાને લઈને ટાટા સન્સના ચેરમેને કહ્યું છે કે, આ તેમના વ્યાવસાયિક જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. તેમણે એવું પણ કહ્યું છે કે, દુર્ઘટનાની તપાસમાં મદદ કરવા માટે બોઈંગની એક ટીમ અમેરિકાથી ભારત આવી રહી છે. તે સિવાય GE એરોસ્પેસ પણ તપાસમાં મદદ માટે પોતાની ટીમ મોકલી રહી છે.