Tuesday, February 4, 2025
More

    NIAએ તમિલનાડુ હિઝ્બ-ઉત-તહરિર કેસમાં કબીર અહેમદ અને બહરુદ્દીનની કરી ધરપકડ: ભારતની સરકારને ઉથલાવી પાડવા રચી રહ્યા હતા કાવતરા

    રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) સતત કાર્યવાહી કરીને દેશ વિરોધી તાકાતો માટે કામ કરતા ગુનેગારોની ધરપકડ કરી રહી છે. આ જ ક્રમમાં એજન્સીએ 3 ફેબ્રુઆરીના રોજ તમિલનાડુ હિઝબુત-ઉત-તહરિર (Hizb ut- Tahrir) કેસમાં કાર્યવાહી કરીને બે મુખ્ય આરોપીઓની (Arrested) ધરપકડ કરી હતી. આરોપીઓ ભારત સરકાર વિરુદ્ધ કાવતરું કરી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો.

    ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ કબીર અહેમદ અલિયાર અને બાવા બહરુદ્દીન ઉર્ફે મન્નાઈ બાવા તરીકે કરવામાં આવી હતી. NIA તપાસમાં જાણવા મળ્યું કે બંને આરોપીઓ કટ્ટરપંથી ઇસ્લામિક વિચારધારાથી પ્રભાવિત હતા અને એક પ્રદર્શની દ્વારા ઇસ્લામિક દેશોની લશ્કરી શક્તિનું પ્રદર્શન કરવાની યોજના બનાવી રહ્યા હતા. જેનો ઉદ્દેશ્ય વિદેશી દળોને ભારત સરકારને ઉથલાવી પાડવા અને હિંસક જેહાદ શરૂ કરવા આમંત્રણ આપવાનો હતો. NIA બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

    નોંધનીય છે કે આ કેસમાં, NIAએ RC 01/2024/NIA/CHE હેઠળ કુલ છ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન, એ પણ બહાર આવ્યું કે આરોપીઓ હિઝબુત-ઉર-તહરિરની કટ્ટરપંથી અને ઉગ્રવાદી વિચારધારાથી પ્રભાવિત હતા. આ સંગઠન સમગ્ર વિશ્વમાં ઇસ્લામિક ખિલાફત સ્થાપિત કરવા અને તેના સ્થાપક તાકી અલ-દિન અલ-નભાનીએ લખેલા બંધારણને લાગુ કરવા માટે કાર્ય કરે છે.

    ભારત સરકારે ઓક્ટોબર 2024માં હિઝબુત-ઉત-તહરિરને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું અને UA(P) એક્ટ 1967 હેઠળ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. NIA આ મામલે વિદેશી ભંડોળ સહિતની દિશામાં તપાસ કરી રહી છે.