હિન્દી ભાષાના વિરોધ વચ્ચે હવે તમિલનાડુ સરકારે વધુ એક પગલું ભર્યું છે. તમિલનાડુની સ્ટાલિન સરકારે આ વખતે રાજ્યના બજેટમાંથી ‘₹’નો સિમ્બોલ હટાવી દીધો છે અને તેના સ્થાને ‘ரூ’ સિમ્બોલ રિપ્લેસ કર્યો છે. રૂપિયા માટે આધિકારિક રીતે ₹નો સિમ્બોલ દેશભરમાં માન્ય ગણવામાં આવે છે. પરંતુ તમિલનાડુ સરકારે તેને પણ રિપ્લેસ કરી દીધો છે.
‘₹’ સિમ્બોલને જે પ્રતિક સાથે રિપ્લેસ કરવામાં આવ્યો છે, તે તમિલ લિપિનો અક્ષર ‘રૂ’ છે. અહીં એ પણ નોંધવા જેવું છે કે, પ્રથમ વખત કોઈ રાજ્યએ ₹ના સિમ્બોલમાં બદલાવ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં ₹નો જે સિમ્બોલ છે, તેની ડિઝાઇન ઉદય કુમાર ધર્મલિંગમે બનાવી હતી. તેઓ એક શિક્ષણવિદ અને ડિઝાઇનર છે.
તેમની ડિઝાઇન પાંચ શોર્ટ લિસ્ટેડ સિમ્બોલમાંથી પસંદ કરવામાં આવી હતી. ધર્મલિંગમ અનુસાર, તેમની ડિઝાઇન ભારતીય તીરંગા પર આધારિત છે. આશ્ચર્યની વાત તો એ છે કે, ધર્મલિંગમ તમિલનાડુ વિધાનસભામાં DMKમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા એન. ધર્મલિંગનના પુત્ર છે.