Sunday, March 23, 2025
More

    તાઇવાન કોસ્ટ ગાર્ડે ચીનના કાર્ગો જહાજ અને 8 ક્રૂ મેમ્બર્સને લીધા અટકાયતમાં: સમુદ્રની અંદરનો ઈન્ટરનેટ કેબલ કાપ્યો હોવાની શંકા

    તાઇવાન કોસ્ટ ગાર્ડે (Taiwan Coast Guard) 25 ફેબ્રુઆરીના રોજ એક ચીની કાર્ગો જહાજ (Cargo Ship) અને તેના ચીની ક્રૂને (Chinese Crew) અટકાયતમાં લીધા હતા. જેનું કારણ આપતા કહ્યું હતું કે જહાજે ઈરાદાપૂર્વક દરિયાની અંદરનો ઈન્ટરનેટ કેબલ કાપી નાખી હતો કે કેમ તે અંગે તપાસ કરી રહ્યા છે.

    અહેવાલ અનુસાર તાઇવાનના કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાઇવાનને તેના બહારી પેન્ઘુ દ્વીપ સાથે જોડતા કેબલ્સને નુકસાન પહોંચાડનાર શંકાસ્પદ જહાજ પર ‘ફ્લેગ ઓફ કન્વિનીયન્સ’ લહેરાઈ રહ્યો હતો અને તેમાં આઠ ચીની નાગરિકોનો ક્રૂ હતો.

    નોંધનીય છે કે તાઇવાનની ટેલિકોમ કંપની ચુંગવાએ તેના સમુદ્રી સંચાર કેબલને નુકસાન થયાની જાણ કરી હતી, જે પછી આ ઘટના સામે આવી હતી. કોસ્ટ ગાર્ડ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, “ચુંગવા ટેલિકોમ પાસેથી માહિતી મળ્યા બાદ, હોંગટાઈ જહાજને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યું હતું,”.

    આગળ જણાવ્યું હતું કે, “શરૂઆતમાં ખરાબ હવામાનને કારણે જહાજનું તાત્કાલિક નિરીક્ષણ શક્ય બન્યું ન હતું, જેમાં આઠ ક્રૂ સભ્યો સવાર હતા. જહાજને તૈનાન શહેરના અનપિંગ બંદર પર લઈ જવામાં આવ્યું. ટાપુના અધિકારીઓ કેબલ તૂટવાની તપાસ કરી રહ્યા છે કે તે તોડફોડ જાણીજોઈને કરવામાં આવી છે કે અકસ્માત છે. આ કેસ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો માનવામાં આવી રહ્યો છે.