Monday, March 17, 2025
More

    હિંદુવિરોધી હિંસાનો ‘માસ્ટરમાઇન્ડ’ તાહિર હુસૈન કરશે ચૂંટણી પ્રચાર, સુપ્રીમ કોર્ટે આપી કસ્ટડી પેરોલ: AIMIMએ બનાવ્યો છે ઉમેદવાર

    તાહિર હુસૈનને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવાની પરવાનગી મળી ગઈ છે. 28 જાન્યુઆરી 2025ના રોજ સુપ્રીમ કોર્ટે તેને કસ્ટડી પેરોલ પર પ્રચાર કરવાની મંજૂરી આપી છે. આ મુજબ હુસૈનને 29 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન દિવસના સમયે પ્રચાર માટે મુક્ત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન તે પોતાના ઘરે જશે નહીં. પોલીસ પર થનારો ખર્ચ પણ તેણે પોતે જ ઉપાડવો પડશે. જેલ મેન્યુઅલ મુજબ તેને 12 કલાક માટે મુક્ત કરવામાં આવશે.

    અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ તાહિર હુસૈનને મુસ્તફાબાદથી ઉમેદવાર બનાવ્યો છે. આમ આદમી પાર્ટીનો (AAP) ભૂતપૂર્વ કાઉન્સિલર હુસૈન દિલ્હીમાં હિંદુવિરોધી રમખાણોનો માસ્ટરમાઈન્ડ છે. દિલ્હી હાઈકોર્ટે તેમને નામાંકન દાખલ કરવા માટે કસ્ટડી પેરોલ આપી હતી.

    આ પછી તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. પરંતુ છેલ્લી સુનાવણી પર સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશોની બેન્ચે તેમને વચગાળાના જામીન આપવા અંગે અલગ-અલગ અભિપ્રાય આપ્યા હતા. જ્યારે જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ તેને રાહત આપવાની તરફેણમાં હતા, બીજી તરફ જસ્ટિસ પંકજ મિત્તલનું માનવું હતું કે, જો આમ કરવામાં આવશે તો દરેક વ્યક્તિ ચૂંટણીમાં ભાગ લેવાની દલીલ પર વચગાળાના જામીન માંગવાનું શરૂ કરશે. હવે જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ સંદીપ મહેતાની ત્રણ સભ્યોની બેંચે તેને કસ્ટડી પેરોલ આપતાં કહ્યું છે કે, તે પ્રચાર દરમિયાન તેની સામે ચાલી રહેલા કેસ વિશે વાત નહીં કરે.