Friday, April 11, 2025
More

    અમેરિકાથી ઘસડીને લવાયેલો આતંકવાદી તહવ્વુર રાણા 18 દિવસ માટે NIAની કસ્ટડીમાં, મુંબઈ હુમલા મામલે થશે પૂછપરછ

    અમેરિકાથી પ્રત્યાર્પિત કરીને લાવવામાં આવેલા આતંકવાદી તહવ્વુર રાણાને (Tahawwur Rana) NIA સ્પેશિયલ કોર્ટે 18 દિવસ માટે એજન્સીની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. 

    રાણા હવે આગલા 18 દિવસ સુધી NIAની કસ્ટડીમાં રહેશે, આ દરમિયાન એજન્સી તેની કડક પૂછપરછ હાથ ધરશે. તેની પાસેથી 2008ના મુંબઈ હુમલા સંબંધિત તમામ વિગતો કઢાવવામાં આવશે અને તેની ભૂમિકા વિશે પણ પૂછવામાં આવશે. 

    18 દિવસની કસ્ટડી પૂર્ણ થયા બાદ તેને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો વધુ કસ્ટડીની જરૂર હોય તો એજન્સી માંગ કરશે, અન્યથા જેલભેગો કરી દેવાશે. 

    ઉલ્લેખનીય છે કે તહવ્વુર રાણાને ગુરુવારે (10 એપ્રિલ) સાંજે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ એરપોર્ટ પર જ તેનું ચેકિંગ થયું અને ત્યાંથી સીધો રાત્રે NIA સ્પેશિયલ કોર્ટ લઈ જવામાં આવ્યો. અહીં બંને પક્ષોની દલીલો થયા બાદ કોર્ટે 18 દિવસ માટેના રિમાન્ડ મંજૂર કર્યા. 

    રાણા 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ પૈકીનો એક છે. ડેવિડ હેડલી અને અન્ય લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ સાથે મળીને તેણે હુમલાનું કાવતરું ઘડ્યું હતું, જેમાં સેંકડો નિર્દોષો અને અનેક સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.