Sunday, March 23, 2025
More

    પ્રત્યાર્પણ બાદ આતંકવાદી તહવ્વુર રાણા સામે દિલ્હીમાં ચાલી શકે ટ્રાયલ, કોર્ટે મુંબઈથી મંગાવ્યા ટ્રાયલ રેકોર્ડ

    2008ના મુંબઈ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનારા આતંકવાદીઓ પૈકીના એક તહવ્વુર રાણાના અમેરિકાથી ભારત પ્રત્યાર્પણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ પ્રત્યાર્પણને લીલી ઝંડી આપી ચૂકી છે અને પ્રશાસનિક સ્તરેથી પણ ટ્રમ્પ સરકારે જાહેરાત કરી દીધી છે. બીજી તરફ ભારતમાં પણ NIAની ટીમ સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવી છે, જે ગ્રીન સિગ્નલ મળતાં જ અમેરિકા રવાના થશે. 

    દરમ્યાન સમાચાર સામે આવ્યા છે કે દિલ્હીની કોર્ટે 26/11 આતંકવાદી હુમલાને લગતા ટ્રાયલ રેકોર્ડ મંગાવ્યા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આતંકી હુમલાને લગતા દસ્તાવેજો મુંબઈની કોર્ટમાંથી લાવીને રજૂ કરવા માટેનો આદેશ આપ્યો છે. 

    મુંબઈમાં હુમલા મામલે અનેક કેસ ચાલી રહ્યા છે, જેથી ઘણાખરા રેકોર્ડ્સ ત્યાંની કોર્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા. હવે દિલ્હી કોર્ટે રેકોર્ડ મંગાવ્યા હોવાથી અટકળો લગાવવામાં આવી રહી છે કે તહવ્વુર રાણા સામે ટ્રાયલ દિલ્હીમાં જ ચલાવવામાં આવશે અને તેને તિહાડ જેલમાં રાખવામાં આવી શકે છે. 

    મૂળ પાકિસ્તાની તહવ્વુર રાણા પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સાંઠગાંઠ ધરાવે છે. મુંબઈ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવામાં અને રેકી કરવામાં તેણે ભૂમિકા ભજવી હતી. ભારતમાં તેની સામે અનેક કેસ પેન્ડિંગ છે, જેની ટ્રાયલ માટે તેના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી હતી. વર્ષોની કાયદાકીય પ્રક્રિયાઓ બાદ હવે તેને ભારત લાવી શકાશે.