Sunday, March 16, 2025
More

    ‘મને ભારતમાં કરવામાં આવશે ટોર્ચર’: પ્રત્યાર્પણ અટકાવવા ફરી અમેરિકન સુપ્રીમ કોર્ટ પહોંચ્યો તહવ્વુર રાણા

    2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાએ (Tahawwur Rana) ફરી એકવાર અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં (American Supreme Court) અપીલ દાખલ કરી છે. રાણાએ અરજી કરીને ભારત પ્રત્યાર્પણ (Extradition) પર રોક લગાવવાની માંગ કરી છે. તેણે એવી દલીલ આપી છે કે તે પાકિસ્તાની મૂળનો હોવાથી ભારતમાં તેના પર ત્રાસ ગુજારવામાં આવી શકે છે.

    રાણે પ્રત્યાર્પણ અટકાવવા બીમારીઓનો હવાલો આપ્યો છે. તેણે પોતાની અરજીમાં કહ્યું છે કે તે ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યો છે. તે કોરોનરી ધમની ડિસઓર્ડર, પાર્કિન્સન અને પેશાબના કેન્સરનો દર્દી છે. રાણાના વકીલોની એવી દલીલ છે કે તે કદાચ ટ્રાયલનો સામનો કરવા માટે લાંબો સમય જીવશે નહીં.

    રાણાની કાનૂની ટીમે એવી પણ રજૂઆત કરી હતી કે તેને ‘કોઈ એવા જોખમમાં’ ન મૂકી શકાય જ્યાં તેને ‘રાષ્ટ્રીય, ધાર્મિક અને સાંસ્કૃતિક દુશ્મનાવટ માટે નિશાન બનાવવામાં આવે’. આ પહેલાં પણ તેણે જાન્યુઆરી 2025માં અરજી કરી હતી જે અમેરિકન કોર્ટે ફગાવી દીધી હતી.

    નોંધનીય છે કે તહવ્વુર રાણા વર્ષ 2008માં ભારતમાં થયેલ આતંકી હુમલાનો આરોપી છે.  વર્તમાનમાં તે અમેરિકામાં રહી રહ્યો છે. ત્યારે ફેબ્રુઆરીમાં PM મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રે તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ માટે અંતિમ મંજૂરી આપી દીધી હતી.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જાહેરાત કરી કે તેમના વહીવટીતંત્રે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલામાં તેની ભૂમિકાને લઈને તેના પ્રત્યાર્પણની મંજૂરી આપવામાં આવી છે.