Monday, June 23, 2025
More

    26/11નો આતંકી તહવ્વુર રાણા હવે પરિવાર સાથે કરી શકશે વાત, દિલ્હીની કોર્ટે આપી ફોન કરવાની મંજૂરી

    દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 26/11 મુંબઈ આતંકવાદી (Mumbai Terrorist Attack) હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાને (Tahawwur Husain Rana) તેના પરિવાર સાથે એકવાર ટેલિફોન પર વાતચીત કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય 9 જૂન 2025ના રોજ લેવાયો હતો. વિશેષ ન્યાયાધીશ ચંદર જીત સિંઘે રાણાને માત્ર એકવાર આ છૂટ આપી છે.

    આ ફોન કોલ જેલના નિયમોનું સખતપણે પાલન કરીને અને તિહાડ જેલના અધિકારીઓની દેખરેખ હેઠળ થશે. કોર્ટે જેલ અધિકારીઓને રાણાના સ્વાસ્થ્ય અંગે 10 દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરવા અને રાણાને નિયમિત ફોન કોલની મંજૂરી આપવી જોઈએ કે નહીં તે અંગે તેમનું વલણ સ્પષ્ટ કરવા પણ આદેશ આપ્યો છે.

    આ પહેલાં રાણાએ એપ્રિલ 2025માં પણ પરિવાર સાથે વાત કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા સુરક્ષાના કારણોસર વિરોધ કરવામાં આવ્યો હતો. NIAએ દલીલ કરી હતી કે રાણા પરિવાર સાથે વાતચીત દરમિયાન મહત્વની માહિતી શેર કરી શકે છે, જે તપાસને જોખમમાં મૂકી શકે છે. આથી, 24 એપ્રિલ 2025ના રોજ કોર્ટે રાણાની અરજી ફગાવી દીધી હતી.

    તહવ્વુર રાણા એક પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે. તે 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય સાજિશકર્તાઓ પૈકીનો એક માનવામાં આવે છે. આતંકી હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા. રાણા પર આરોપ છે કે, તેણે પોતાની કન્સલ્ટન્સી ફર્મની આડમાં ડેવિડ હેડલીને મુંબઈમાં તાજ હોટેલ અને છત્રપતિ શિવાજી ટર્મિનસ જેવી મહત્વની જગ્યાઓની રેકી કરવામાં મદદ કરી હતી.