ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) જૌનપુરમાં (Jaunpur) રમેશ યાદવ અને તેના પિતા લાલતા યાદવે મળીને તેમના પાડોશી સગીર અનુરાગ યાદવની હત્યા (Anurag Yadav Murder) કરી નાખી હોવાનું સામે આવ્યું છે. બંને પરિવારો વચ્ચે 40 વર્ષથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે બે આરોપીઓએ તલવારથી અનુરાગનું ગળું વાઢી નાખ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના બુધવારે (30 ઑક્ટોબર, 2024) સવારે જૌનપુરના કેકબીરુદ્દીનપુર ગામમાં બની હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, આ હત્યા અનુરાગના ઘર પાસે કરવામાં આવી હતી. રમેશ યાદવ હત્યા બાદ ગાયબ થઈ ગયો છે અને તેના પિતા લલતા યાદવની પોલીસે અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે FIR નોંધીને રમેશ યાદવને શોધવા માટે તપાસ હાથ ધરી છે.
હત્યા બાદ ગામમાં તંગદિલીનો માહોલ છે. અનુરાગના પરિવારજનો સતત પ્રદર્શન કરી રહ્યા છે. ગામમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત અનુરાગની માતા તેના પુત્રના કપાયેલા માથાને ખોળામાં રાખીને રડી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
નોંધવા જેવું છે કે, જે સગીરની હત્યા કરવામાં આવી છે, તે ઇન્ટર સ્ટુડન્ટ હતો અને તાઈકવાન્ડો પ્લેયર પણ હતો. તેણે ચંદૌલીમાં ઇન્ડો-નેપાળ ઇન્ટરનેશનલ તાઈકવાન્ડો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ અને નોઈડામાં ઓપન સિલ્વર મેડલ જીત્યો હતો.