અરાજકતા અને અવ્યવસ્થા વચ્ચે થયેલા સત્તાપલટા બાદ હવે સીરિયામાં નવી સરકાર સ્થાપવામાં આવી છે. તાજેતરમાં અહીંના કાર્યકારી રાષ્ટ્રપતિ અહેમદ અલ શારાએ એક નવું બંધારણ લાગુ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા, જે પાંચ વર્ષના ગાળા માટે અમલમાં રહેશે.
ડ્રાફ્ટિંગ કમિટી અનુસાર, નવા બંધારણમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિનો મઝહબ ઇસ્લામ રહેશે, જે વ્યવસ્થા અગાઉ પણ લાગુ હતી. બીજી તરફ કહેવામાં આવ્યું છે કે ઇસ્લામી ન્યાયશાસ્ત્ર કાયદાનો મુખ્ય સ્ત્રોત રહેશે. કમિટીએ જણાવ્યું કે અગાઉના બંધારણમાંથી પણ તેમણે અમુક જોગવાઈઓ જેમની તેમ રહેવા દીધી છે.
નવા બંધારણમાં ‘સેપરેશન ઑફ પાવર’ની અને ન્યાયિક સ્વતંત્રતાની વાત કરવામાં આવી છે. સાથે મહિલાઓને વધુ અધિકારો આપવાની, અભિવ્યક્તિની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવાની અને મીડિયાને પણ સ્વતંત્ર બનાવવાની વાતો કહી છે. જોકે આવી વાતો તો તાલિબાને પણ સત્તામાં આવ્યા બાદ કરી હતી, પરંતુ પછી ત્યાં શું થયું એ દુનિયા જાણે છે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં જ્યારે કથિત બળવાખોરોએ સીરિયા પર કબજો મેળવી લીધો અને બશર-અલ અસદના દાયકાઓના શાસનનો અંત આણ્યો ત્યારબાદ બંધારણ રદ કરી દીધું હતું અને અગાઉની સરકારની સંસદ, સેના, સુરક્ષા એજન્સી તમામના કામ કરવા પર રોક લગાવી દીધી હતી. ત્યારથી સીરિયામાં અંધેર વહીવટ ચાલતો હતો. અઠવાડિયા પહેલાં શારાએ નવું બંધારણ બનાવવા માટે કમિટી રચવાની જાહેરાત કરી અને હવે બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે.