સનાતનની ભવ્યતા અને દિવ્યતાના દર્શન કરાવતા મહાકુંભના સમાપનના આટલા દિવસ પછી પણ તેની ચર્ચા સતત ચાલી રહી છે. તાજેતરમાં ઇન્ડિયા ટુડે આયોજિત એક કોન્ક્લેવમાં સામેલ થયેલા સ્વામી કૈલાશાનંદગિરિ અને સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજે કુંભ પર વિસ્તૃત ચર્ચા કરી હતી અને સફળ આયોજનનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આપ્યો હતો.
સ્વામી કૈલાશાનંદગિરિએ કહ્યું કે, “આવું પવિત્ર વાતાવરણ કેમ બન્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કારણે. જો આજે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના સ્થાને બીજા કોઈ મુખ્યમંત્રી હોત તો આ કુંભ વિશાળ, ભવ્ય અને વિરાટ ન થઈ શક્યો હોત. કેન્દ્રમાં વડાપ્રધાન મોદી ન હોત તો ન થઈ શક્યું હોત.”
તેમણે ઉમેર્યું કે, “આચાર્ય ન કોઈની પ્રશંસા કરે છે કે ન કોઈની ટીકા કરે છે, પણ મને લાગે છે કે આપણે આ બાબતની ચર્ચા કરી રહ્યા છીએ તો મારે કહેવું જોઈએ.”
સ્વામી ચિદાનંદ સરસ્વતી મહારાજે કહ્યું કે, “કોણ કહે છે કે ભારત વહેંચાઈ ગયું છે. કુંભ જુઓ, એ જ ભારતનું દર્શન છે. આ સનાતનના વિરાટ સ્વરૂપનું દર્શન હતું. અહીં બધા એક જ હતા. કોઈ જાતિનો ભેદ હતો, ન રંગનો. તમામ સનાતનીઓ હતા.”