Friday, December 6, 2024
More

    સંભલમાં પથ્થરમારા બાદ અઢી કલાકનો સરવે પૂર્ણ: જામા મસ્જિદમાંથી સુરક્ષિત બહાર નીકળી ટીમ, સ્થિતિ નિયંત્રણમાં

    યુપીના સંભલમાં (Sambhal) આવેલી જામા મસ્જિદમાં (Jama Masjid) સરવે માટે પહોંચેલી ટીમ અને પોલીસ પર મુસ્લિમ ટોળાંએ હુમલો કરી દીધા બાદ હવે સરવે પૂર્ણ (Survey Complate) થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પથ્થરમારા બાદ પણ સરવે ટીમે અઢી કલાક સુધી વિવાદિત જામા મસ્જિદનો સરવે કર્યો હતો. સરવે પૂર્ણ થયા બાદ પોલીસે ભારે સુરક્ષા સાથે સરવે ટીમને બીજા રસ્તા પરથી બહાર કાઢ્યા હતા. સરવે ટીમમાં વકીલ વિષ્ણુ શંકર જૈન પણ સામેલ છે.

    સાડા સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી ચાલેલા આ સરવે બાદ એડવોકેટ કમિશનરનો સરવે પૂર્ણ થયો છે. આખી મસ્જિદની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી છે. હવે આ મામલે અડવોકેટ કમિશનર 29 નવેમ્બરના રોજ પોતાનો રિપોર્ટ સોંપશે. જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    સરવેને લઈને ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના DM રાજેન્દર પેનસીયાએ જણાવ્યું છે કે, “સરવે પૂર્ણ થઈ ગયો છે અને સરવે ટીમને સુરક્ષિત રીતે અમે સ્થળ પર પહોંચાડી દીધી છે. બાકીની તમામ સ્થિતિ નિયંત્રણમાં છે. જે પણ ઉપદ્રવીઓ છે, તેમને ચિહ્નિત કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.”

    નોંધવા જેવું છે કે, વકીલ વિષ્ણુ શંકર જૈને સંભલની જામા મસ્જિદના સરવેને લઈને સંભલ કોર્ટમાં અરજી કરી હતી. તેમનો દાવો છે કે, તે સ્થળ પર અગાઉ હિંદુ મંદિર હતું અને ઇસ્લામી આક્રાંતા બાબરે તેનો નાશ કરીને ત્યાં મસ્જિદ ઊભી કરી હતી. ત્યારબાદ કોર્ટના આદેશ પર સરવે શરૂ થયો હતો, તે દરમિયાન 24 નવેમ્બરે સવારે સરવે ટીમ અને પોલીસ પર મુસ્લિમ ટોળાંએ પથ્થરો વરસાવ્યા હતા.