Saturday, March 8, 2025
More

    સુરતમાં રિહર્સલ દરમિયાન સાયકલ સવારને માર મારનાર પોલીસકર્મીને પરત મોરબી મોકલાયો, પગાર ઇજાફો એક વર્ષ માટે અટકાવાશે

    તાજેતરમાં સુરત શહેરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ પહેલાં ચાલતા રિહર્સલ દરમિયાન ભૂલથી ઘૂસી ગયેલા એક સાયકલ સવારને એક પોલીસકર્મી માર મારતો જોવા મળે છે. આ વિડીયો બાદ જવાબદાર પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 

    સુરત પોલીસે આ અંગે જાણકારી આપતાં કહ્યું કે, ઘટનાની નોંધ લેવામાં આવી છે અને વિડીયોમાં જે PSI બી. કે ગઢવી દેખાય છે એ મોરબીથી બંદોબસ્ત માટે સુરત આવ્યા હતા, જેમને પરત મોરબી મોકલી આપવામાં આવ્યા છે. 

    આ સિવાય મોરબી અધિક્ષકને પણ ઘટનાનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે તેમજ જવાબદાર પોલીસકર્મીના પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવા માટે નોટિસ પણ પાઠવવામાં આવી છે તેમ સુરત પોલીસ તરફથી જણાવવામાં આવ્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે આ ઘટના 7 માર્ચના રોજ રિહર્સલ દરમિયાન બની હતી. પીએમ મોદી સુરતના લિંબાયતમાં એક સભા સંબોધવા માટે આવવાના હતા તે પહેલાં પોલીસ રિહર્સલ ચાલી રહ્યું હતું. તે સમયે જ એક સાયકલ સવાર કિશોર ઘૂસી ગયો હતો. પોલીસકર્મીએ પછીથી તેને વાળ ખેંચીને મુક્કા માર્યા હતા. 

    ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો ચર્ચા કરી રહ્યા છે. ઘણા કહે છે કે આ ભાઈએ નકામું શૂરાતન બતાવીને બહાદુર બનવાની કોઈ જરૂર ન હતી અને જ્યાં ઝનૂન બતાવવાનું છે ત્યાં બતાવવાનું હતું. બીજી તરફ ઘણા કહે છે કે બાળકે સાયકલ લઈને આમ રખડવું ન હતું અને ભવિષ્યમાં તે આવી ભૂલ ન કરે એ માટે કડક પાઠ ભણાવવો જરૂરી હતો.