Tuesday, February 4, 2025
More

    લગ્નમાં ખૂટી પડ્યું જમવાનું તો જાન લઈને પાછો વળ્યો વરરાજા… ‘પોલીસ’ બની પંડિત ત્યારે સ્ટેશનમાં થયા લગન: સુરતના વરાછાનો મામલો

    સુરતમાંથી (Surat) એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગ્ન પ્રસંગમાં જમવાનું (Food) ઓછું પડવાના કારણે જાન પરત ફરી હતી, બાદમાં મામલો પોલીસ પાસે પહોંચતા પોલીસે સમાધાન કરાવ્યું હતું. તથા બાકીની વિધિ પોલીસ સ્ટેશનમાં (Marriage in Police Station) જ સંપન્ન કરાવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

    સમગ્ર મામલો સુરતમાં આવેલ વરાછા વિસ્તારનો છે. જ્યાં માતાવાડી પાસે લક્ષ્મી નગરની વાડીમાં મૂળ બિહારના વતની રાહુલ પ્રમોદ મહંતો અને અંજલી કુમારી મીટુસિંગના લગ્ન યોજવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન જાનને જમવાનું ઓછું પડ્યું, જેના કારણે બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો.

    તથા વરપક્ષને માઠું લાગતા લગ્ન કર્યા વિના જ જાન પરત ફરવા લાગી હતી. જોકે આ દરમિયાન જ કન્યાના પરિવારે વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, તથા પરિસ્થિતિનો તાગ મેળવીને બંને પક્ષોનું કાઉન્સેલિંગ કર્યું હતું.

    દરમિયાન બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું, જોકે વધૂપક્ષની વિનંતી હતી કે ફરીથી કોઈ વિવાદ ન થાય તે માટે પોલીસ મદદ કરે. જેના પગલે પોલીસ મથકમાં જ સિંદૂર, વરમાળા સહિતની વિધિ સંપન્ન કરાવી વર-વધૂના લગ્ન કરાવી આપ્યા હતા.

    આ મામલે ડીસીપી આલોકકુમારે જણાવ્યું કે, “ડીજીપી અને સીપીના નિર્દેશ અનુસાર દરેક પોલીસ મથકમાં સાંત્વના કેન્દ્ર અને મહિલા હેલ્પ ડેસ્ક કાર્યરત છે. આ ઘટનામાં પોલીસની સક્રિય ભૂમિકાથી બે પરિવારોનું જીવન સુખમય બન્યું છે અને સમાજમાં પોલીસની છબી વધુ ઉજ્જવળ બની છે.”

    આગળ તેમણે કહ્યું કે, “જમવાનું ઓછું પડી જતા બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. છોકરીનું નામ અંજલી કુમારી છે અને છોકરાનું નામ રાહુલ પ્રમોદ મહંતો છે. તેઓ મૂળ બિહારના વતની છે અને લગ્નની બાકી વિધિ પૂર્ણ થઇ ગયી હતી, ખાલી વરમાળાની વિધિ જ બાકી હતી અને એક છોકરીની જિંદગીનો સવાલ હતો. જેથી પોલીસે પરવાનગી આપી હતી અને આ વિધિ પોલીસ મથકે થઇ હતી.