Saturday, April 12, 2025
More

    સુરત: AAPમાંથી સસ્પેન્ડ થયેલ કોર્પોરેટર રાજેશ મોરડિયા પાસા હેઠળ મહેસાણા જેલમાં ધકેલાયો, ખંડણી ઉઘરાવવાના આરોપસર દાખલ થયા છે બે કેસ 

    ખંડણીના કેસમાં ઝડપાયેલા સુરતના કોર્પોરેટર રાજેશ મોરડિયાને PASA હેઠળ મહેસાણા જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. મહાનગરપાલિકા ચૂંટણીમાં તે આમ આદમી પાર્ટીની ટિકિટ પર લડ્યો હતો, પરંતુ 2023માં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. હાલ તે કોઈ પાર્ટીમાં નથી. 

    રાજેશ મોરડિયા સામે થોડા દિવસ પહેલાં એક વ્યક્તિની ફરિયાદ પર ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેણે પોતે કોર્પોરેટર હોવાનું કહીને અધિકારીઓને કહીને ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી પાડવાની ધમકી આપીને ₹7 લાખ માંગ્યા હોવાનો આરોપ લાગ્યો હતો. ફરિયાદીએ કહ્યું હતું કે, તેમણે પૈસા આપવાની ના પાડતાં રાજેશ અને તેની સાથે આવેલા અન્ય એકે ગળું દબાવીને, ચપ્પુ બતાવીને ડરાવી ધમકાવીને 1 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 

    ત્યારબાદ અન્ય એક કેસમાં એક વ્યક્તિએ મોટા વરાછા વિસ્તારમાં ડામરના રોડનું કામ અટકાવીને રાજેશે પચાસ હજાર રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ કરી હતી, જે મામલે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બંને ગુના દાખલ થયા બાદ પોલીસ તેને ઉઠાવી લઈ ગઈ હતી. 

    હવે તેની સામે PASA (પ્રિવેન્શન ઑફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને મહેસાણા જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.