Tuesday, June 17, 2025
More

    ‘અસંવેદનશીલ, અમાનવીય વલણ’: ‘રેપના પ્રયાસ’ પર અલ્હાબાદ હાઇકોર્ટની વિવાદિત ટિપ્પણીવાળા આદેશ પર સુપ્રીમ કોર્ટની રોક

    ‘સ્તન પકડવાં કે પાયજામાનું નાડું ખેંચવું એ રેપનો પ્રયાસ નથી’ તેવી અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણીઓ પર દેશભરમાં આક્રોશ બાદ સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લઈને આદેશ પર રોક લગાવી દીધી છે. કોર્ટે આ આદેશને ‘આઘાતજનક’ ગણાવીને કહ્યું કે, તેમાં અસંવેદનશીલતા અને અમાનવીયતાનું વલણ અપનાવવામાં આવ્યું છે. 

    જસ્ટિસ બી. આર ગવાઈ અને જસ્ટિસ એજી મસીહની બેન્ચે મામલાની સુનાવણી કરતાં આદેશ પર રોક લગાવી દીધી છે અને કેન્દ્ર સરકાર, ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર તેમજ કેસની અન્ય પાર્ટીઓને નોટિસ પાઠવી છે. કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ ચુકાદાને આઘાતજનક ગણાવ્યો હતો. 

    સુપ્રીમ કોર્ટ બેન્ચે કહ્યું કે, એવું નથી કે આ ચુકાદો ઉતાવળમાં આપવામાં આવ્યો હોય, પરંતુ નિર્ણય સુરક્ષિત કર્યાના ચાર મહિના પછી આપવામાં આવ્યો છે, તેનો અર્થ એ થયો કે બરાબર જોઈ-વિચારીને જ આ ચુકાદા પર કોર્ટ પહોંચી છે. સાથે કહ્યું કે, જે અવલોકનો કરવામાં આવ્યાં છે એ સંપૂર્ણ રીતે કાયદાથી અનભિજ્ઞ છે અને અમાનવીય અને અસંવેદનશીલતા દર્શાવે છે, જેથી કોર્ટ સ્ટે મૂકી રહી છે. 

    અહીં નોંધવું જોઈએ કે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ બાદ થોડા દિવસ પહેલાં જ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ બે જજની બેન્ચે અરજી ફગાવી દીધી હતી. પરંતુ હવે સુપ્રીમની બીજી બેન્ચે સ્વયં સંજ્ઞાન લીધું છે.