Thursday, March 6, 2025
More

    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને લઘુમતીનો દરજ્જો મળી શકે? સુપ્રીમ કોર્ટે 1967નો ચુકાદો પલટાવ્યો, હવે નવી બેન્ચ કરશે નિર્ણય

    ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને (Aligarh Muslim University) પ્રાપ્ત ‘લઘુમતી’ના દરજ્જાને લઈને ચાલતા કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે (8 નવેમ્બર) ચુકાદો આપ્યો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતામાં સાત જજોની બેન્ચે 4:3થી ચુકાદો પસાર કર્યો છે. 

    સુપ્રીમ કોર્ટે આ ચુકાદા સાથે જ વર્ષ 1967નો એક ચુકાદો પલટાવી દીધો છે, જેમાં ઠેરવવામાં આવ્યું હતું કે કાયદો પસાર કરીને સ્થાપિત કરવામાં આવેલી શિક્ષણ સંસ્થા લઘુમતીનો દરજ્જો ન મેળવી શકે. 

    અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી લઘુમતી સંસ્થા છે કે નહીં તે હવે રેગ્યુલર બેન્ચ નક્કી કરશે તેમ સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું છે. 

    કોર્ટે કહ્યું કે, માત્ર કાયદાથી સ્થાપિત હોવાના કારણે સંસ્થા લઘુમતીનો દરજ્જો ગુમાવી દેતી નથી. આ મામલે કોર્ટે એ જોવું પડશે કે યુનિવર્સિટી કોણે સ્થાપી હતી અને તેની પાછળ વિચાર કર્યો હતો. જો તપાસમાં લઘુમતી સંસ્થા હોવાનું જાણવા મળે તો સંસ્થા બંધારણના આર્ટિકલ 30 હેઠળ આ દરજ્જો મેળવી શકે છે.  

    CJI ચંદ્રચૂડ સહિત 4 જજોએ આ ચુકાદો આપ્યો, જ્યારે જસ્ટિસ સૂર્યકાંત સહિત 3 ન્યાયાધીશોએ અસહમતિ દર્શાવી હતી.