Tuesday, March 18, 2025
More

    ‘નીકીતા સિંઘાનિયાને ના કહો દોષી, આ કોઈ મીડિયા ટ્રાયલ નથી ચાલી રહી’: સુપ્રીમ કોર્ટે ફગાવી અતુલ સુભાષના માતાની અરજી, પૌત્રની કસ્ટડી આપવાનો કર્યો ઇનકાર

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) પત્ની અને સાસરિયાઓના ત્રાસથી આત્મહત્યા કરનાર અતુલ સુભાષના (Atul Subhash) પુત્રને તેની દાદીને સોંપવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, નીકીતા સિંઘાનિયાને તેના પુત્રને પોતાની સાથે રાખવાનો અધિકાર છે અને તેની દાદી લગભગ અજાણ્યા વ્યક્તિ જેવી છે.

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બાળકની કસ્ટડી તેની દાદીને આપવી તેના હિતમાં નથી. કારણ કે તે તેના દાદા-દાદીને ઓળખતો નથી. કોર્ટમાં જસ્ટિસ નાગરથનાએ અતુલ સુભાષની માતાને નીકીતા સિંઘાનિયા વિરુદ્ધ બોલવા બદલ ચેતવણી પણ આપી હતી. કોર્ટે કહ્યું કે, “નીકીતા સિંઘાનિયાને દોષિત ન કહેવા જોઈએ, કારણ કે હજુ સુધી તેમનો ગુનો કોર્ટમાં સાબિત થયો નથી.”

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈને દોષિત કહેવાનો અધિકાર માત્ર કોર્ટને છે અને આ મીડિયા ટ્રાયલ નથી. કોર્ટે કહ્યું છે કે, જો અતુલની માતા તેના પૌત્રની કસ્ટડી ઈચ્છે છે તો તે આ માટે બીજી કાનૂની પ્રક્રિયા અપનાવી શકે છે.