Wednesday, December 4, 2024
More

    ‘વ્યક્તિ કોઈ ગુનામાં આરોપી હોય તેટલા કારણથી તેની સંપત્તિ ધ્વસ્ત ન કરી શકાય’: બુલડોઝર એક્શન પર સુપ્રીમની ગાઈડલાઈન, જમિયત વગેરેએ કરી હતી અરજી

    બુલડોઝર એક્શન (Bulldozer Action) પર વાંધો ઉઠાવતાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે (13 નવેમ્બર) કહ્યું કે, કોઈ વ્યક્તિને કોઈ ગુનામાં આરોપી બનાવવામાં આવી હોય તેટલા માત્રથી પ્રશાસન તેનું ઘર કે અન્ય સંપત્તિ તોડી શકે નહીં અને તે ગેરબંધારણીય છે. 

    કોર્ટે એમ પણ કહ્યું કે, આ ‘સેપરેશન ઑફ લૉ’ની પણ વિરુદ્ધ છે, કારણ કે વ્યક્તિ ગુનેગાર છે કે કેમ તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે, કારોબારીનું નહીં. 

    કોર્ટે કહ્યું, “કારોબારી કોઈ વ્યક્તિને ગુનેગાર ન ઠેરવી શકે, કારણ કે આ પ્રક્રિયા ન્યાયિક સમીક્ષાનું એક અગત્યનું પાસું છે. માત્ર આરોપોના આધાર પર જો કારોબારી નિયમોથી ઉપરવટ જઈને વ્યક્તિની સંપત્તિ ધ્વસ્ત કરે તો તે કાયદાનું ઉલ્લંઘન કહેવાશે અને તેની પરવાનગી ન આપી શકાય. કારોબારી જજ ન બની શકે અને નક્કી ન કરી શકે તે વ્યક્તિ ગુનેગાર છે કે નહીં. 

    સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું કે જે અધિકારીઓ આ રીતે સંપત્તિ ધ્વસ્ત કરવાનો આદેશ આપતા હોય તેમને પણ જવાબદેહ ઠેરવવામાં આવવા જોઈએ અને તેમની જવાબદારી નક્કી થવી જોઈએ. 

    ઉલ્લેખનીય છે કે આ મામલે જમિયત ઉલેમા-એ-હિન્દ અને અન્ય અમુક અરજદારોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ ‘બુલડોઝર જસ્ટિસ’ પર રોક લગાવવાની માંગ સાથે અરજી કરી હતી, જેની ઉપર જસ્ટિસ બી. આર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે આ ગાઈડલાઈન આપી.