Thursday, April 3, 2025
More

    સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સાર્વજનિક કરશે પોતાની સંપત્તિ, ઠરાવ પસાર: વેબસાઈટ પર મૂકાશે માહિતી

    એક અગત્યના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ તેમની સંપત્તિ સાર્વજનિક કરવાનો ઠરાવ કર્યો હોવાનું સુપ્રીમ કોર્ટ તરફથી આવતા અહેવાલો જણાવી રહ્યા છે. 

    મંગળવારે (1 એપ્રિલ) મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના તમામ 33 જજોની એક બેઠક મળી હતી, જેમાં સર્વાનુમતે આ ઠરાવ કરવામાં આવ્યો તેમ જણાવવામાં આવ્યું છે. આ ઠરાવ ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટના જજ બનનારાઓને પણ લાગુ પડશે. 

    તમામ ન્યાયાધીશો પોતાની સંપત્તિ સાર્વજનિક કરશે, જેની જાણકારી સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે આગ લાગ્યા બાદ ત્યાંથી કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા બાદ દેશભરમાં ન્યાયતંત્રની ખૂબ ટીકા થઈ હતી અને એ ચર્ચા પણ ફરી શરૂ થઈ હતી કે ન્યાયાધીશોને કેમ સંપત્તિ ઘોષિત કરવામાંથી બાકાત રાખવામાં આવે છે. 

    નોંધવું જોઈએ કે હાલ જોગવાઈ એવી છે કે સુપ્રીમ કોર્ટના જજોએ સંપત્તિ ઘોષિત કરવી ફરજિયાત નથી. જે ઇચ્છે એ જાણકારી સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર આપી શકે છે.