Friday, December 6, 2024
More

    ‘જ્ઞાનવાપીમાં જ્યાંથી મળ્યું હતું શિવલિંગ, તે સીલ કરાયેલા વિસ્તારનો ASI સરવે કરવામાં આવે’: હિંદુ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે મસ્જિદ સમિતિને પાઠવી નોટિસ

    વારાણસી કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં સ્થિત વિવાદિત ઢાંચા જ્ઞાનવાપીના સીલ કરવામાં આવેલા વિસ્તારના ASI સરવેની માંગ પર સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષનો જવાબ માગ્યો છે. 

    આ સીલ કરવામાં આવેલો એરિયા એ જ છે, જ્યાંથી મે, 2022માં સરવે દરમિયાન શિવલિંગ મળી આવ્યું હતું. હિંદુ પક્ષે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરીને આ વિસ્તારનો ASI સરવે કરવાની માંગ કરી છે. 

    જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે કેસની સુનાવણી કરતાં મસ્જિદનું સંચાલન કરતી ‘અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ સમિતિ’ને આ મામલે નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા માટે કહ્યું છે. આ મામલે 17 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી ઢાંચાના સરવે અને વિડીયોગ્રાફી દરમિયાન વજૂખાનામાંથી એક શિવલિંગ મળી આવ્યું હતું. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતાં કોર્ટે આ વિસ્તારને સીલ કરી દેવાનો આદેશ આપ્યો હતો. ત્યારથી તે સીલ કરાયો છે. 

    અગાઉ જ્ઞાનવાપીના ASIનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, પરંતુ ત્યારે આ સીલ કરવામાં આવેલ વિસ્તારને બાકાત રાખવામાં આવ્યો હતો. હવે હિંદુ પક્ષની માંગ છે કે આ વિસ્તારનો પણ ASI સરવે કરવામાં આવે, જેથી શિવલિંગ કેટલાં વર્ષ જૂનું છે એ ખ્યાલ આવી શકે.