Friday, December 6, 2024
More

    યાસીન મલિકના બે કેસ જમ્મુથી દિલ્હી ટ્રાન્સફર કરવાની CBIની માંગ, સુપ્રીમ કોર્ટે પાઠવી નોટિસ

    કાશ્મીરી આતંકવાદી યાસીન મલિક (Yasin Malik) સામે દાખલ બે પેન્ડિંગ કેસ જમ્મુથી નવી દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ સાથે CBIએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની ઉપર સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે (28 નવેમ્બર) મલિકનો જવાબ માંગ્યો હતો. 

    જસ્ટિસ અભય ઓકા અને ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી છે. કોર્ટે યાસીન મલિકને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવા માટે 14 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. ત્યારબાદ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. 

    યાસીન મલિક સામે હાલ જમ્મુની સ્પેશિયલ કોર્ટમાં બે કેસ ચાલી રહ્યા છે. એકમાં તે વાયુસેનાના ચાર કર્મચારીઓની હત્યાનો આરોપી છે અને બીજો એક પૂર્વ મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રુબૈયા સઈદના અપહરણ મામલે કેસ ચાલી રહ્યો છે. 

    તાજેતરમાં જમ્મુની કોર્ટે CBIને યાસીન મલિકને રૂબરૂ હાજર કરવા માટે આદેશ કર્યો હતો. પરંતુ એજન્સીએ આતંકીને સુરક્ષા કારણોસર તિહાડ જેલની બહાર કાઢી ન શકાય તેમ કહીને આ આદેશને પડકાર્યો છે. એપ્રિલ, 2023માં સુપ્રીમ કોર્ટે જમ્મુ કોર્ટના આદેશ પર સ્ટે મૂકી દીધો હતો.