Sunday, June 22, 2025
More

    ‘તે આતંકવાદી નથી’ કહીને સુપ્રીમ કોર્ટે પૂજા ખેડકરને આપી દીધા આગોતરા જામીન, ફ્રોડ કરીને નોકરી મેળવવા મામલે દાખલ થયો છે કેસ

    ફ્રોડ કરીને નોકરી મેળવવાના આરોપસર તપાસનો સામનો કરતી પૂજા ખેડકરને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. દિલ્હી હાઇકોર્ટે તેની આગોતરા જામીન માટેની અરજી નકાર્યા બાદ પૂજા સુપ્રીમ કોર્ટ ગઈ હતી. જ્યાંથી તેને રાહત મળી ગઈ છે. 

    પૂજાને જામીન આપતી વખતે કોર્ટે કહ્યું કે, તે ડ્રગ લોર્ડ નથી કે ન આતંકવાદી છે. તેણે હત્યાનો ગુનો કર્યો હોય તેમ નથી કે ન NDPS હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    બીજી તરફ, દિલ્હી પોલીસે જામીનનો વિરોધ કર્યો હતો અને  કહ્યું હતું કે, તે તપાસમાં સહયોગ આપી રહી નથી અને જે આરોપો લગાવવામાં આવ્યા છે તે પણ અત્યંત ગંભીર છે. પરંતુ કોર્ટે આ દલીલો ગ્રાહ્ય ન રાખી અને કહ્યું કે, કેસનાં તથ્યો અને સંજોગો જોતાં આગોતરા જામીન આપી શકાય તેમ છે. 

    કોર્ટે પૂજા ખેડકરને તપાસમાં સહયોગ આપવા માટે આદેશ આપ્યો છે. 

    ઉલ્લેખનીય છે કે વર્ષ 2024માં આ મામલો સામે આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે પૂજા ખેડકરે દિવ્યાંગતાનાં ખોટાં પ્રમાણપત્રો આપીને નોકરી મેળવી હતી. વિગતો સામે આવ્યા બાદ તેને બરતરફ કરવામાં આવી અને UPSCની ફરિયાદ પર દિલ્હી પોલીસે એક કેસ દાખલ કર્યો. પરંતુ ત્યારબાદ ખેડકર સીધી હાઇકોર્ટ પહોંચી ગઈ. અહીં કોર્ટે સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી વચગાળાના જામીન આપ્યા. ડિસેમ્બરમાં હાઇકોર્ટે ધરપકડ પર સ્ટે ઉઠાવી લઈને જામીન રદ કર્યા તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન આપી દીધા છે.