આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અને દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના આરોપી તાહિર હુસૈનની વચગાળાના જામીનની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટના બે જજોની બેન્ચે બે અલગ-અલગ ચુકાદા આપ્યા છે. જેમાં એક ન્યાયાધીશ પંકજ મિત્તલે તાહિરની જામીન અરજી ફગાવી દીધી છે, જ્યારે જજ એહસાનુદ્દીન અમાનુલ્લાહે તેને જામીન આપ્યા છે.
બંને ન્યાયાધીશોએ અલગ-અલગ મત રજૂ કરતાં હવે મામલો ત્રણ જજોની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવશે. અથવા બની શકે કે આ જ બેન્ચમાં ત્રીજા ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે અને તેઓ જે નિર્ણય આપે તેના આધારે ચુકાદો નક્કી કરવામાં આવે. આગળની કાર્યવાહી મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના કરશે.
#BREAKING #SupremeCourt delivers split verdict on plea of Tahir Hussain seeking interim bail ahead of Delhi assembly elections.
— LawBeat (@LawBeatInd) January 22, 2025
Bench: Justice Pankaj Mithal and Ahsanuddin Amanullah
ન્યાયાધીશ મિત્તલે એમ કહીને જામીન આપવાની ના પાડી છે કે, જો એક વખત આવો શિરસ્તો પાડી દેવામાં આવે તો પછી ઘણા કેદીઓ આ પ્રકારની રાહત માંગવાનું ચાલુ કરી દેશે કારણ કે જેલમાંથી ચૂંટણી લડવાની માંગ સાથે જામીન અરજીઓ આવતી રહે છે. આ કિસ્સામાં અરજીઓ થતી જ રહેશે અને તેની પરવાનગી આપી શકાય નહીં.
ન્યાયાધીશે એમ પણ કહ્યું કે, તાહિર હુસૈન સામે અમુક ગંભીર આરોપો છે અને જો તે બહાર ગયો તો સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. ઉપરાંત, ચૂંટણી પ્રચાર કરવો એ મૂળભૂત અધિકારમાં આવતું નથી એ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.
બીજી તરફ, જજ અમાનુલ્લાહે પોતાના ચુકાદામાં ઠેરવ્યું કે, તાહિર હુસૈનને જમીન આપી શકાય તેમ છે. તેમનો મત છે કે, જામીન અરજી પર નિર્ણય કરતી વખતે ગુનો કેટલો ગંભીર છે એ જ માત્ર જોવાનું રહેતું નથી. અમુક શરતોને આધીન રહીને તેને જામીન આપી શકાય છે અને તે ચૂંટણી પ્રચાર માટે જ રહેશે.
નોંધવું જોઈએ કે, આ પહેલાં હાઇકોર્ટે તાહિર હુસૈનને વચગાળાના જામીન આપવાની ના પાડી હતી. ત્યારબાદ તે સુપ્રીમ પહોંચ્યો હતો. તે દિલ્હીમાં 2020માં થયેલાં હિંદુવિરોધી રમખાણોના મુખ્ય આરોપીઓ પૈકીનો એક છે અને પોતે હિંદુઓને પાઠ ભણાવવા માટે કાવતરું રચ્યું હોવાનું સ્વીકારી ચૂક્યો છે.