Monday, April 14, 2025
More

    ‘આવા કેસો માટે એક સિસ્ટમ છે જ’: સુપ્રીમ કોર્ટે વક્ફ (સંશોધન) એક્ટને પડકારતી અરજીઓ પર તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) 7 એપ્રિલે વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025ને (Waqf Act 2025) પડકારતી અરજીઓ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આવા કેસો માટે ‘એક પદ્ધતિ અસ્તિત્વમાં છે.’ આ અરજીમાં નવા સૂચિત વક્ફ (સુધારા) અધિનિયમ, 2025ની બંધારણીય માન્યતાને પડકારવામાં આવી છે અને કેન્દ્રને કાયદાના અમલીકરણને સ્થગિત કરવા માટે નિર્દેશો આપવાની માંગ કરવામાં આવી છે.

    વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો ઉલ્લેખ કર્યો હતો.

    સિબ્બલે બેન્ચને આ મામલાને તાત્કાલિક સૂચિબદ્ધ કરવા વિનંતી કરી હતી. જોકે, CJIએ કહ્યું કે, તમામ આવશ્યક બાબતો બપોરે તેમની સમક્ષ મૂકવામાં આવશે અને કોર્ટ તે મુજબ ‘સૂચિબદ્ધ કરવાનો નિર્ણય’ લેશે. CJI એ કહ્યું, “જ્યારે આપણી પાસે સિસ્ટમ છે ત્યારે તમે શા માટે વારંવાર ઉલ્લેખ કરી રહ્યા છો?”

    નોંધનીય છે કે કેન્દ્ર વક્ફ બિલ પસાર થઈ ગયા બાદ વક્ફ કાયદામાં સુધારામાંથી ઉદ્ભવેલી અનેક અરજીઓનો ઉલ્લેખ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો છે. આ બિલને સંસદના બંને ગૃહો લોકસભા-રાજ્યસભા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની પણ મંજૂરી મળી ચૂકી છે.