Monday, June 23, 2025
More

    જસ્ટિસ વર્મા પર તપાસ રિપોર્ટ જાહેર કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, ફગાવી RTI: જજના ઘરમાં આગ લાગતા મળ્યા હતા ‘નોટોના બંડલ’

    સુપ્રીમ કોર્ટે (Supreme Court) જસ્ટિસ યશવંત વર્મા કેસના (Justice Yashwant Verma) તપાસ અહેવાલને જાહેર કરવાનો ઇનકાર કરી દીધો છે. આ તપાસ અહેવાલ (investigation report) ત્રણ ન્યાયાધીશોની સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ જાહેર કરવા માટે એક RTI દાખલ કરવામાં આવી હતી. આ અરજી મહારાષ્ટ્રના એક વકીલ દ્વારા દાખલ કરવામાં આવી હતી.

    આ અરજીમાં CJI સંજીવ ખન્ના દ્વારા રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનને મોકલવામાં આવેલા પત્ર વિશે પણ માહિતી માંગવામાં આવી હતી. આ સંદર્ભમાં દાખલ કરાયેલી આરટીઆઈ સુપ્રીમ કોર્ટના માહિતી અધિકારી દ્વારા ફગાવી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકા મુજબ, આ માહિતી જાહેર કરી શકાતી નથી.

    ઉલ્લેખનીય છે કે 14 માર્ચ, 2025ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં પોસ્ટેડ જસ્ટિસ યશવંત વર્માના ઘરમાં આગ લાગી હતી ત્યારે નોટોના બંડલ મળી આવ્યા હતા. ત્યારબાદ ત્રણ સભ્યોની સમિતિએ આ મામલે પોતાનો તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ પછી, CJI સંજીવ ખન્નાએ આ રિપોર્ટ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કાર્યવાહી માટે મોકલ્યો.

    આ અહેવાલ પછી પણ, જસ્ટિસ વર્માએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો. તેમને અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.