Tuesday, March 18, 2025
More

    ‘આ કરોડો લોકોની આસ્થાનો વિષય’: તિરુપતિ પ્રસાદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે બનાવી SIT, CBI ડાયટેક્ટરની દેખરેખ હેઠળ થશે તપાસ

    તિરુપતિ બાલાજી મંદિરના પવિત્ર પ્રસાદમાં ભેળસેળના આરોપોનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ કોર્ટે આ મામલે SIT તપાસના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું કે, CBIની દેખરેખ હેઠળ એક સ્વતંત્ર વિશેષ તપાસ ટીમ મામલાની તપાસ કરશે. 

    સર્વોચ્ચ અદાલતે શુક્રવારે (4 ઑક્ટોબર) આ આદેશ પસાર કર્યો. જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે, SITમાં બે અધિકારીઓ CBIમાંથી, બે અધિકારીઓ આંધ્રપ્રદેશ પોલીસમાંથી અને એક અધિકારી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયામાંથી નીમવામાં આવશે. તેમજ સમગ્ર તપાસની દેખરેખ CBIના ડાયરેક્ટર રાખશે. જેથી હાલ જે રાજ્યની SIT મામલાની તપાસ કરી રહી છે તેના સ્થાને આ કોર્ટે નીમેલી નવી ટીમ તપાસ કરશે. 

    સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી કે આ SITની નિમણૂક એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે મંદિર અને ઈશ્વર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. આ આદેશને એ રીતે લેવામાં ન આવે કે કોર્ટ હાલ જે SIT તપાસ કરી રહી છે તેની સ્વતંત્રતા કે પ્રામાણિકતા ઉપર ઉપર શંકા કરી રહી છે. કોર્ટે કહ્યું કે, એક સ્વતંત્ર બોડી તપાસ કરશે તો વિશ્વાસ સ્થાપિત થઈ શકશે. 

    આ SIT વધુ તપાસ કરીને વિગતવાર રિપોર્ટ સુપરત કરશે.