દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના ઘરે આગ લાગ્યા બાદ મોટા પ્રમાણમાં રોકડા પૈસા મળી આવ્યા હોવાની વાત બહાર આવ્યા પછી એક તરફ મોટો વિવાદ સર્જાયો છે ત્યાં બીજી તરફ સુપ્રીમ કોર્ટે એક ચોખવટ પાડતાં કહ્યું છે કે હજુ સુધી કૉલેજિયમે જજની બદલી કરવાની ભલામણ કરી નથી અને હાલ મામલો વિચારણા હેઠળ છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું કે આ ટ્રાન્સફરની ભલામણને તેમની સામે જે તપાસ ચાલી રહી છે તેની સાથે કોઈ લેવાદેવા નથી.
સુપ્રીમ કોર્ટે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, ‘જસ્ટિસ યશવંત વર્માના નિવાસસ્થાને જે ઘટના બની તેને લઈને ભ્રામક માહિતી અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. માહિતી મળતાં જ દિલ્હી હાઇકોર્ટે આંતરિક તપાસ શરૂ કરી હતી અને તેની શરૂઆત 20 માર્ચની કૉલેજિયમની બેઠક પહેલાં જ થઈ ગઈ હતી. જે 21 માર્ચના રોજ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાને રિપોર્ટ સુપરત કરશે. ત્યારબાદ આગળ જરૂરી પગલાં લેવામાં આવશે.
સાથે જણાવવામાં આવ્યું કે, યશવંત વર્માની બદલી અલ્હાબાદ હાઇકોર્ટ કરવાની ભલામણ તદ્દન અલગ મુદ્દો છે અને તેને આંતરિક તપાસ સાથે કશું લાગતું-વળગતું નથી. 20 માર્ચની કૉલેજિયમની બેઠકમાં CJI અને અન્ય જજોએ તેની ઉપર વિચાર કર્યો હતો અને જજો, હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને જસ્ટિસ વર્માને પત્ર મોકલવામાં આવ્યા છે. તેમના જવાબ મળ્યા બાદ કૉલેજિયમ એક પ્રસ્તાવ પસાર કરશે.