મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શરદ પવાર અને અજિત પવારની (Ajit Pawar) બંને પાર્ટીઓ ફરી સુપ્રીમ કોર્ટ પાસે પહોંચી હતી. વિવાદનો વિષય છે- ચૂંટણી ચિહ્ન (Election Symbol). કોર્ટે અજિત પવારની પાર્ટી NCPને ઘડિયાળનું ચિહ્ન વાપરવાની પરવાનગી આપી છે, પરંતુ સાથે ડિસ્ક્લેમર (અસ્વીકરણ) લગાવવા માટે કહ્યું છે.
વાસ્તવમાં શરદ પવાર જૂથે કોર્ટમાં અરજી કરીને ફરિયાદ કરી હતી કે અજિત પવાર જૂથ ઘડિયાળનું ચૂંટણી ચિહ્ન વાપરીને મતદારોના મનમાં એવું ઠસાવવાના પ્રયાસ કરી રહ્યા છે કે પાર્ટી હજુ પણ શરદ પવાર સાથે સંબંધિત છે. નોંધનીય છે કે જ્યારે NCP એક જ પાર્ટી હતી અને શરદ પવાર તેના અધ્યક્ષ હતા ત્યારે ચૂંટણી ચિહ્ન ઘડિયાળ હતું.
બીજી તરફ, આ દલીલોને અજિત પવાર જૂથે નકારી કાઢી હતી અને કહ્યું કે, તેઓ પૂરતી ચોખવટ કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે રોક લગાવી નથી, પરંતુ અજિત જૂથને જણાવ્યું છે કે તેઓ ચૂંટણી જાહેરાતોમાં ડિસ્ક્લેમર ઉમેરશે અને કોર્ટના અગાઉના આદેશોનું ઉલ્લંઘન નહીં કરે તે જણાવતું એફિડેવિટ દાખલ કરે.
શરદ જૂથે એવી પણ માંગ કરી હતી કે અજિત જૂથને ઘડિયાળનું ચિહ્ન વાપરવાથી રોકવામાં આવે, પરંતુ કોર્ટે તે દલીલો ગ્રાહ્ય રાખી નથી.