Saturday, April 19, 2025
More

    બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાની બસ પર આત્મઘાતી હુમલો, બલોચ લિબરેશન આર્મીનું એલાન- 90 સૈનિકો માર્યા

    પાકિસ્તાનના બલૂચિસ્તાનના નોશકી વિસ્તારમાં સેનાની એક બસ પર હુમલો થયો છે. આ હુમલાની જવાબદારી બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે અને 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. 

    પાકિસ્તાની મીડિયા અનુસાર, નેશનલ હાઇવે પરથી સેનાના ફ્રન્ટિયર કોર્પ્સની બસ પસાર થઈ રહી હતી, ત્યારે તેની ઉપર હુમલો કરી દેવામાં આવ્યો. પ્રાથમિક તપાસમાં હુમલો ‘આત્મઘાતી’ હોવાનું કહેવામાં આવે છે. 

    સ્થાનિક પોલીસે જણાવ્યું કે, સ્થળ પરથી મળેલા પુરાવાઓ પરથી જાણવા મળ્યું છે કે આત્મઘાતી હુમલાખોરે એક વિસ્ફોટક ભરેલી કાર પાકિસ્તાની સેનાના સૈનિકોની બસ સાથે અથડાવી દીધી હતી.  

    હુમલામાં અનેક પાકિસ્તાની સેનાના જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવ્યું છે, જેથી મૃતકોનો આંકડો વધી શકે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પાકિસ્તાનના મીડિયામાં મૃતકોનો આંકડો પાંચ જણાવવામાં આવી રહ્યો છે. 

    બીજી તરફ, બલોચ લિબરેશન આર્મીએ જણાવ્યું કે તેમની મજીદ બ્રિગેડે નોશકી હાઇવે ઉપર પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવ્યો, જેમાં કુલ આઠ બસ હતી. તેમાંથી એક બસ હુમલામાં સંપૂર્ણપણે નાશ પામી છે. આગળ જણાવવામાં આવ્યું કે, હુમલા બાદ BLAની ફતેહ સ્ક્વાડે તરત જ અન્ય એક બસને ઘેરી લીધી અને તમામ સેનાના સૈનિકોને મારી નાખ્યા, જેનાથી દુશ્મનોના મોતનો આંકડો 90 પર પહોંચ્યો છે.