Tuesday, July 15, 2025
More

    પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામાં સૈન્ય વાહન પર આત્મઘાતી હુમલો, 16 સૈનિકોનાં મોત, અનેકને ઈજા

    આતંકવાદ અને આતંકવાદીઓને પોષતા પાડોશી દેશ પાકિસ્તાન પણ હવે હુમલાઓથી બાકાત રહી શકતો નથી. કાયમ અસ્થિર અને અરાજક સ્થિતિ જ્યાં રહે છે એ ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વઝીરિસ્તાનમાં શનિવારે (28 જૂન) એક આત્મઘાતી હુમલો થયો, જેમાં પાકિસ્તાનના 16 સૈનિકો માર્યા ગયા અને અન્ય અનેક ઈજા પામ્યા. ઈજાગ્રસ્તોમાં બાળકો પણ સામેલ છે. 

    પાકિસ્તાની સૈનિકો પસાર થઈ રહ્યા હતા ત્યારે એક વિસ્ફોટક ભરેલું વાહન તેમના વાહન સાથે ટકરાયું અને વિસ્ફોટ થયો હતો. જેમાં 16 સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. બાકી 25થી વધુ લોકોને ઈજા પહોંચી છે. 

    હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનની જ એક શાખા દ્વારા લેવામાં આવી છે. TTP ભૂતકાળમાં પણ આ પ્રાંતમાં અનેક આવા હુમલાઓ કરી ચૂક્યું છે.

    ખૈબર પખ્તુનખ્વામાં આ વર્ષમાં જ આ પ્રકારના હુમલાઓમાં 290 વ્યક્તિઓ મૃત્યુ પામી ચૂક્યા છે, જેમાંથી મોટાભાગના સુરક્ષાકર્મીઓ છે.