Wednesday, February 26, 2025
More

    OCCRPને મળતા ફન્ડિંગનો મુદ્દો ઉઠ્યો રાજ્યસભામાં, સુધાંશુ ત્રિવેદીએ ઉદાહરણો સાથે પૂછ્યું- સંસદના સત્ર પહેલાં જ કેમ આવે છે વિદેશી સંસ્થાઓના રિપોર્ટ?

    વિશ્વભરમાં પત્રકારોનું નેટવર્ક ધરાવતી હોવાનો દાવો કરતી વિદેશી સંસ્થા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP)ને અમેરિકન સરકારની એજન્સીઓ પાસેથી ભંડોળ મળતું હોવાના ફ્રેન્ચ અખબારના દાવા બાદ આ મુદ્દો ભારતની સંસદમાં પણ ઉઠ્યો છે. 

    રાજ્યસભામાં સાંસદ સુધાંશુ ત્રિવેદીએ રિપોર્ટ ગૃહના પટલ પર રજૂ કરીને જણાવ્યું હતું કે, ફ્રેન્ચ અખબારના સંશોધનાત્મક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટને વિદેશી સરકારોનું ફન્ડિંગ મળે છે અને તેમનું ફોકસ ભારત પર પણ છે. સાથે-સાથે જ્યોર્જ સોરોસ સાથે-સાથે પણ કનેક્શન છે. 

    ત્યારબાદ તેમણે એ મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે જ્યારે-જ્યારે ભારતની સંસદનું સત્ર શરૂ થવાનું હોય ત્યારે જ શા માટે વિદેશી સંસ્થાઓ કે અન્ય ફર્મના ભારત પર રિપોર્ટ પ્રકાશિત થાય છે. તેમણે પેગાસસથી માંડીને OCCRPના પણ અમુક રિપોર્ટનો સંદર્ભ ટાંક્યો હતો, જે તમામ ઘટનાક્રમ સંસદના સત્રની આગળ-પાછળ જ સર્જાયા હતા. તેમણે કહ્યું કે, શું આ એકમાત્ર સંયોગ છે કે બીજું કાંઈ? 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ OCCRP વિશે સામે આવ્યું હતું કે તેને એવી અમેરિકન એજન્સીઓ તરફથી ભંડોળ મળે છે, જે ભારતવિરોધી કારસ્તાનો માટે કુખ્યાત છે.