Thursday, March 20, 2025
More

    હૈદરાબાદમાં અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો અને તોડફોડ, ઉસ્માનિયા યુનિવર્સિટીની કમિટીના સભ્યોની ધરપકડ

    અભિનેતા અલ્લુ અર્જુનના હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ ખાતે આવેલા ઘર પર ટોળાએ રવિવારે (22 ડિસેમ્બર) હુમલો કરી દીધો હતો. આ હુમલો ઉસ્માનિયા યુનિવર્સિટીની જોઈન્ટ એક્શન સમિતિના સભ્યોએ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    હુમલો કરનારાઓ બળજબરીપૂર્વક અભિનેતાના નિવાસસ્થાને ધસી ગયા હતા અને પથ્થરો ફેંક્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓ તાજેતરમાં જ એક થીએટરમાં બનેલી ભાગદોડની ઘટનામાં મોતને ભેટેલી મહિલાના પરિવાર માટે ₹1 કરોડની માંગ કરી રહ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલો કરનારાઓએ અભિનેતાના ગાર્ડનમાં પણ ધમાલ મચાવી અને ત્યાં સજાવીને રાખવામાં આવેલાં આવેલા કુંડાં તોડી નાખ્યાં. આ દરમિયાન પથ્થરમારો પણ કરવામાં આવ્યો હોવાના અહેવાલો છે. ઘટનાથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ ઉભો થઇ ગયો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

    જે લોકોએ આ તોડફોડ કરી છે, તેમને લઈને કહેવામાં આવી રહ્યું છે કે પુષ્પા 2 ફિલ્મના પ્રીમિયરમાં મૃત્યુ પામેલી મહિલા માટે તેઓ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માંગ છે કે મૃતક રેવતીના પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે. બીજી તરફ આ ધમાલની જાણ પોલીસને થતાં જ પોલીસે હુલ્લડ કરનાર લોકોને અટકાવ્યા હતા. પરિસ્થિતિ પર કાબૂ મેળવીને તેમની ધરપકડ કરી લેવામાં આવી. ધરપકડ બાદ તેમને જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશને લઈ જઈને ધારાધોરણ અનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે.