Monday, March 17, 2025
More

    આંધ્રપ્રદેશ: તિરુપતિ મંદિરમાં ટોકન માટેની લાઇનમાં નાસભાગ થતાં 6નાં મોત, ત્રીસને ઈજા 

    બુધવારે (8 જાન્યુઆરી) સાંજે આંધ્રપ્રદેશના વિખ્યાત તિરુપતિ મંદિરમાં નાસભાગ મચી જતાં 6 વ્યક્તિઓનાં મોત થયાં જ્યારે 30 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. ઘટના વૈકુંઠ દ્વાર સર્વદર્શન ટોકનની લાઇન લાગી ત્યારે બની હતી. 

    રાત્રે 8 વાગ્યે જ્યારે મંદિર સંચાલકોએ જુદાં-જુદાં દ્વારોએથી ટોકન આપવાનાં ચાલુ કર્યાં ત્યારે પડાપડી થઈ અને તેમાં નાસભાગ મચી ગઈ હતી. બન્યું હતું એવું કે, અસ્વસ્થ અનુભવતા અમુક ભક્તોને બહાર નીકળવા માટે દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેમાં અમુક ભક્તો જે સવારથી લાઈનમાં ઊભા હતા તેઓ આગળ આવી ગયા અને તેમાં ભાગદોડ મચી હતી. 

    ઘટના બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી અમુકને પછીથી મૃત ઘોષિત કરવામાં આવ્યા. મૃતકોનો આંકડો 6 હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્રીસેકને ઈજા પહોંચી છે. 

    ઘટનાનું મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રાત્રે જ સંજ્ઞાન લીધું હતું અને યોગ્ય પગલાં ભરવાના નિર્દેશ આપ્યા હતા. 

    વૈકુંઠ દ્વાર સર્વદર્શન એ તિરુપતિ મંદિરે થતી એક મોટી ઇવેન્ટ છે, જેમાં લાખો દર્શનાર્થીઓ આવે છે. આ વખતે આ કાર્યક્રમ 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે. જે માટે ટોકન આપવામાં આવી રહ્યાં હતાં.