Friday, March 21, 2025
More

    જીતેન્દ્ર નારાયણ ત્યાગી (વસીમ રિઝવી) સામે ધરપકડ વૉરન્ટ, શ્રીનગરની કોર્ટનો આદેશ: ઇસ્લામ પર ટિપ્પણીનો મામલો

    શ્રીનગરની કોર્ટે જિતેન્દ્ર નારાયણ ત્યાગીની (જેઓ પહેલાં વસીમ રિઝવી હતા) ધરપકડનો આદેશ આપ્યો છે. પયગંબર મોહમ્મદ અને ઇસ્લામ પર કરેલી ટિપ્પણીઓ મામલે ચાલતા કેસમાં હાજર ન થયા બાદ કોર્ટે તેમની વિરુદ્ધ વૉરન્ટ કાઢ્યું અને ધરપકડ કરીને રજૂ કરવાનો આદેશ આપ્યો છે. 

    કોર્ટે 20 ફેબ્રુઆરીના પોતાના આદેશમાં જણાવ્યું છે કે વારંવાર સમન્સ મોકલવામાં આવ્યા છતાં આરોપી (જીતેન્દ્ર ત્યાગી) રજૂ થયા નથી. કોર્ટે આ મામલે ત્યાગીની ધરપકડ કરવા માટે પોલીસને એક ટીમ બનાવવાનો પણ આદેશ આપ્યો. 

    કોર્ટે 25 એપ્રિલ, 2025ના રોજ આગલી સુનાવણી મુકરર કરી છે. ત્યાં સુધીમાં ધરપકડ કરીને રજૂ કરવા માટે જણાવ્યું છે. આદેશની એક કૉપી પોલીસ વિભાગના SSPને મોકલી આપવા માટે પણ કોર્ટે જણાવ્યું હતું. 

    આ કેસ 2021નો છે. એક વ્યક્તિએ ત્યાગી વિરુદ્ધ આરોપ લગાવીને ફરિયાદ કરી હતી કે તેમણે એક પ્રેસ કૉન્ફરન્સમાં ઇસ્લામ અને પયગંબર મોહમ્મદને લઈને અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. જે વિષયમાં ત્યાગી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. પછીથી આ મામલે કોર્ટે સંજ્ઞાન લઈને કાર્યવાહી શરૂ કરી હતી. 

    2022માં લગભગ દસેક વખત કેસને લઈને સુનાવણી થઈ પરંતુ જિતેન્દ્ર ત્યાગી હાજર રહ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે તેમનું અગાઉનું નામ વસીમ રિઝવી હતું. તેઓ શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના અધ્યક્ષ પણ રહ્યા હતા. પછીથી તેમણે સનાતન અપનાવ્યો અને નામ જીતેન્દ્ર નારાયણ ત્યાગી કરી નાખ્યું હતું.