Monday, March 24, 2025
More

    ISKCONના સ્થાપક શ્રીલ પ્રભુપાદને મળી વિશ્વ ગુરુની પદવી: મહાકુંભ દરમિયાન અખાડા પરિષદે પ્રથમવાર કોઈને અપાયું આ બિરુદ

    હાલ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા દરમિયાન, ઇસ્કોન (ISKCON) અને વિશ્વવ્યાપી હરે કૃષ્ણ ચળવળના (Hare Krishna Movement) સ્થાપક-આચાર્ય, એસી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદને (AC Bhaktivedanta Swami Prabhupada) અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા ‘વિશ્વ ગુરુ’નું (Vishwa Guru) બિરુદ આપવામાં આવ્યું હતું.

    આ કાર્યક્રમમાં અખાડા પરિષદના પ્રમુખ પરમ પૂજ્ય મહંત રવિન્દ્ર પુરી જી મહારાજ, નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાશાનંદ ગિરિ જી મહારાજ, આહવાન અખાડાના આચાર્ય મહામંડલેશ્વર અવધૂત અરુણ ગિરિ જી મહારાજ, વિવિધ અખાડાના અન્ય મહામંડલેશ્વરો, સચિવો, વરિષ્ઠ સંતો અને હજારો ભક્તોએ ભાગ લીધો હતો. ગ્લોબલ હરે કૃષ્ણ ચળવળના પ્રમુખ અને આશ્રયદાતા અને ઇસ્કોન બેંગ્લોરના પ્રમુખ શ્રી મધુ પંડિત દાસા અને ગ્લોબલ હરે કૃષ્ણ ચળવળના ઉપપ્રમુખ અને સહ-આશ્રયદાતા અને ઇસ્કોન બેંગ્લોરના વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી ચંચલપતિ દાસાએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.

    શ્રીલ પ્રભુપાદ ઇતિહાસમાં આ પદવી મેળવનારા પ્રથમ અને એકમાત્ર વ્યક્તિત્વ છે. આ પ્રસંગે બોલતા, મધુ પંડિત દાસે કહ્યું, “મને અને સમગ્ર ઇસ્કોન સમુદાયને એ જોઈને ખૂબ આનંદ અને ખુશી થાય છે કે આપણા આચાર્ય શ્રીલ પ્રભુપાદને શ્રી નિત્યાનંદ ત્રયોદશીના શુભ અવસર પર મહા કુંભ મેળાના દિવ્ય વાતાવરણમાં ‘વિશ્વ ગુરુ’નું બિરુદ આપવામાં આવ્યું છે.”