Tuesday, March 11, 2025
More

    પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે શ્રીલંકન એરલાઇન્સે રામાયણનો સહારો લીધો, પ્રભુ શ્રીરામ સાથે જોડાયેલાં સ્થળોનો ઉલ્લેખ કરીને બનાવી એડ

    પાડોશી દેશ શ્રીલંકાની એરલાઈન્સ ‘શ્રીલંકન એરલાઇન્સે’ (Srilankan Airlines) તાજેતરમાં એક જાહેરાત બનાવી, જે ભારતમાં પણ ખાસ્સી ચર્ચામાં છે. પોતાના દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવેલ આ વિજ્ઞાપનમાં શ્રીલંકા એરલાઈન્સે રામાયણ કથાનો (Ramayan) સહારો લીધો છે. 

    પાંચ મિનિટ દસ સેકન્ડની આ ક્લિપમાં એક મહિલા અને તેના પૌત્ર વચ્ચેનો વાર્તાલાપ જોવા મળે છે. બાળકની દાદી તેને રામાયણની કથાઓ કહીને શ્રીલંકામાં આવેલાં સ્થળો વિશે જાણકારી આપે છે અને સ્ક્રીન પર જે-તે સ્થળની માહિતી પણ દર્શાવવામાં આવતી જાય છે. 

    રાવણે કરેલા માતા સીતાના અપહરણથી લઈને પ્રભુ હનુમાનજી દ્વારા લંકા દહન અને ત્યારબાદ પ્રભુ રામ અને રાવણ વચ્ચે થયેલ યુદ્ધ અને હનુમાનજી દ્વારા સંજીવની લાવવી વગેરે તમામ બાબતોનો ઉલ્લેખ દાદી કરે છે અને તેના પૌત્રને માહિતી આપતાં જાય છે.

    દરમ્યાન, રામસેતુનો ઉલ્લેખ કરીને દાદીનું પાત્ર તેના પૌત્રને કહે છે કે આ સેતુ પ્રભુ શ્રીરામ સાથે આવેલી વાનર સેનાએ બનાવ્યો હતો અને આજે પણ ત્યાં તેના અવશેષો જોવા મળે છે. અંતે બાળક દાદીને પૂછે છે કે શું તે પણ શ્રીલંકા જઈને રામાયણ સંબંધિત આ સ્થળોને જોઈ શકે? જેનો દાદી હકારમાં જવાબ આપે છે. ત્યારબાદ બાળક બહાર આવે છે, જ્યાં હવામાં શ્રીલંકન એરલાઈન્સનું એક વિમાન પસાર થતું જુએ છે.