Sunday, July 13, 2025
More

    ભારતીયોની સાથે વિદેશી વિદ્યાર્થીઓને પણ ઈરાનથી બચાવી લાવી મોદી સરકાર: શ્રીલંકાએ કહ્યું- સમય પર મદદ માટે આભાર

    ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને પગલે મોદી સરકારે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવા માટે ‘ઑપરેશન સિંધુ’ લૉન્ચ કર્યું હતું. જે બાદ શ્રીલંકા અને નેપાળ જેવા પાડોશી દેશોએ પણ પોતાના નાગરિકોને પરત લાવવા માટેની વિનંતી કરી હતી. માત્ર ભારતીય જ નહીં, પણ વિદેશી વિદ્યાર્થીઓને પણ મોદી સરકાર બચાવીને લાવી રહી છે. 

    જે બાદ હવે શ્રીલંકાએ ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રીલંકાના વિદેશ મંત્રાલયે શનિવારે (21 જૂન, 2025) X પર એક પોસ્ટ કરીને કહ્યું છે કે, “શ્રીલંકા ભારતીય નાગરિકોની સાથે-સાથે ઈરાનથી શ્રીલંકન નાગરિકોને બચાવવામાં સમય પર મદદ માટે ભારત સરકાર પ્રત્યે હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.” મોદી સરકારના ઑપરેશન સિંધુ હેઠળ ઘણા નેપાળી અને શ્રીલંકન નાગરિકોને પણ પરત લાવવામાં આવ્યા છે. 

    નોંધનીય છે કે, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના તણાવને લઈને નેપાળ અને શ્રીલંકાએ ભારતને પોતાના નાગરિકોને પરત લાવવા માટેની અપીલ કરી હતી. ત્યારબાદ ઈરામમાં ભારતીય દૂતાવાસે X પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, “નેપાળ અને શ્રીલંકાની સરકારોની અપીલ પર ઈરાનમાં ભારતીય દૂતાવાસના સ્થળાંતર પ્રયાસોમાં નેપાળ અને શ્રીલંકાના નાગરિકો પણ સામેલ થશે.”