Sunday, May 18, 2025
More

    પોર્ટલ ‘સ્પોર્ટ્સકીડા’એ જમ્મુ-કાશ્મીરને ગણાવ્યું ‘ભારત અધિકૃત કાશ્મીર’, સોશિયલ મીડિયા પર વિવાદ બાદ માફી માંગી

    રમતજગતના સમાચારો પ્રકાશિત કરતા પોર્ટલ ‘સ્પોર્ટ્સકીડા’એ તાજેતરમાં એક સમાચાર પ્રકાશિત કરતી વખતે જમ્મુ-કાશ્મીરને ‘ભારત અધિકૃત કાશ્મીર’ ગણાવી દીધું હતું. 

    ઉલ્લેખનીય છે કે આ ભાષા પાકિસ્તાનની છે. પાકિસ્તાન કાશ્મીરને ‘ભારત અધિકૃત કાશ્મીર’ કહીને પોતાનો કબજો હોવાના દાવા કરતું રહે છે, જ્યારે હકીકત એ છે કે કાશ્મીરની એક ઇંચ જમીન પર પાકિસ્તાનનો હક નથી અને તે ભારતનું અભિન્ન અંગ છે. ઉપરથી પાકિસ્તાન અમુક જમીન પચાવી પાડીને બેઠું છે. 

    સ્પોર્ટ્સ વેબસાઈટે તેમ છતાં સોશિયલ મીડિયા પોસ્ટમાં કાશ્મીર માટે પાકિસ્તાનની ભાષા વાપરી હતી. તે જોઈને લોકો ભડક્યા અને આડેહાથ લઈને ઠપકો આપ્યો હતો. 

    બીજું, એ પણ નોંધવા જેવું છે કે આ અવળચંડાઈ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાન પ્રેરિત ઈસ્લામી આતંકવાદીઓએ 26 નિર્દોષોને, જેમાંથી મોટાભાગના હિંદુ હતા, મારી નાખ્યાના થોડા દિવસ બાદ જ કરવામાં આવી. 

    જોકે વિવાદ બાદ સ્પોર્ટ્સકીડાએ માફી માંગી લીધી હતી અને પોસ્ટ પણ હટાવી દીધી. 

    માફીમાં જણાવવામાં આવ્યું કે, “અમારાથી ભૂલ થઈ હતી અને સરતચૂકના કારણે થયું છે. જો કોઈની ભાવનાને ઠેસ પહોંચી હોય તો અમે માફી માંગીએ છીએ. અમે ભારતના સાર્વભૌમત્વનું સન્માન કરીએ છીએ અને જાણીએ છીએ કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.” 

    સાથે જણાવવામાં આવ્યું કે જેણે આ પોસ્ટ તૈયાર કરી હશે તેની વિરુદ્ધ પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.