સમાજવાદી પાર્ટી (SP)ના મહારાષ્ટ્ર પ્રમુખ અબુ આઝમીએ શનિવારે (7 ડિસેમ્બર 2024) વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)થી અલગ થવાની જાહેરાત કરી છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પર ‘હિંદુત્વ એજન્ડા’ અપનાવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, સપા અને ગઠબંધનની વિચારધારામાં વધતા મતભેદને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અબુ આઝમીએ નારાજગી વ્યક્ત કરી કે, 6 ડિસેમ્બરે શિવસેના (UBT) એ બાબરી ઢાંચાને તોડી પાડવાના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને અખબારોમાં જાહેરાતો જારી કરી હતી. શિવસેનાના સચિવ મિલિંદ નાર્વેકરે એક પોસ્ટમાં મસ્જિદના માળખાને તોડી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના ગૌરવ સાથે જોડ્યુ હતું. તેના પર આઝમીએ કહ્યું, “જો MVAમાં કોઈ આવી ભાષા બોલે છે, તો તેમના અને ભાજપમાં શું ફરક છે? આપણે શા માટે આવા ગઠબંધનનો ભાગ બનવું જોઈએ?”
સપાના આ નિર્ણયથી MVA ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. સપાએ 2019માં આ ગઠબંધનનો ભાગ બનવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે આ અણબનાવ ગઠબંધનની સ્થિરતા પર સવાલો ઉભા કરે છે. શિવસેના (UBT) અથવા MVA પક્ષો તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.