યુપીના સંભલમાં સપા (SP) સાંસદ ઝિયાઉર રહેમાન બર્કને વીજચોરીના આરોપો મામલે ₹1.91 કરોડની વસૂલાત માટે નોટિસ જારી કરવામાં આવી હતી. પરંતુ તેમણે હજુ સુધી વીજળી વિભાગની નોટિસનો જવાબ આપ્યો નથી. જે બાદ વીજળી વિભાગે નોટિસનો જવાબ આપવા માટે 7 માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. 7 માર્ચ સુધીમાં સાંસદે જવાબ આપવાનો રહેશે.
વીજળી વિભાગે સાંસદ બર્કને હમણાં સુધીમાં વસૂલાત માટે 2 નોટિસ મોકલી હતી અને 22 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ સમયમર્યાદા હેઠળ તેમણે દંડની રકમ ભરવાની હતી. પરંતુ, તેમના તરફથી આ મામલે હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
નોંધનીય છે કે, સંભલમાં સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કના દીપા સરાય સ્થિત આવાસ પર 19 ડિસેમ્બર, 2024ના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન મોટાપાયે વીજળી ચોરી પકડવામાં આવી હતી. જે બાદ સાંસદ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો અને બર્કને ₹1 કરોડ 91 લાખના દંડની વસૂલાત માટે નોટિસ મોકલવામાં આવી હતી.