Tuesday, February 4, 2025
More

    ‘કેટલાક લોકો પરિપક્વ દેખાવા માટે કરે છે વિદેશનીતિની વાતો, દેશને થતાં નુકસાનની નથી કોઈ ચિંતા’: રાહુલ ગાંધીના ભાષણ પર PM મોદીનો વાર

    મંગળવારે (4 ફેબ્રુઆરી) વડાપ્રધાન મોદીએ (PM Modi) રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન લોકસભામાં ભાષણ આપ્યું છે. ભાષણ દરમિયાન PM મોદીએ કોંગ્રેસ નેતા અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર અનેક વાર કર્યા છે. આ સાથે તેમણે કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. ભાષણ દરમિયાન તેમણે રાહુલ ગાંધી તરફ ઈશારો કરતાં તેમને અપરિપક્વ ગણાવી દીધા છે.

    PM મોદીએ કહ્યું કે, “કેટલાક લોકોનું માનવું છે કે, જ્યાં સુધી તેઓ વિદેશનીતિ પર નહીં બોલે, ત્યાં સુધી તેઓ પરિપક્વ નહીં દેખાય. ભલે પછી તેનાથી દેશને નુકસાન પણ થાય. હું સૂચન કરું છું કે, જો લોકોને વાસ્તવમાં વિદેશનીતિમાં રસ છે, તેઓ ‘JFK ફોરગોટન ક્રાઇસીસ’ નામનું પુસ્તક વાંચે. તેમાં ભારતના નેહરુ અને અમેરિકી રાષ્ટ્રપતિ JFK વચ્ચે થયેલી ચર્ચાનું વિવરણ છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “તેમાં જણાવવામાં આવ્યું છે કે, પડકારજનક સ્થિતિમાં દેશને કેવી રીતે સંભાળવામાં આવ્યો હતો અને કેવા-કેવા ખેલ કરવામાં આવ્યા હતા.” નોંધનીય છે કે, PM મોદીની આ ટિપ્પણી રાહુલ ગાંધીએ સંસદમાં ભાષણ આપ્યાના એક દિવસ બાદ આવી છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણનો મોટાભાગનો સમય ચીનની પ્રશંસા કરવામાં કાઢ્યો હતો.

    તે સિવાય રાહુલ ગાંધીએ એવી પણ ટિપ્પણી કરી હતી કે, AIનો ઉપયોગ જાતિ જનગણના કરવા માટે કરવામાં આવવો જોઈએ. તેના પર પ્રતિક્રિયા આપતા વડાપ્રધાને કહ્યું કે, “મારા માટે એક AI નથી, ડબલ AI છે. જે ભારતની ડબલ તાકાત છે. એક AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બીજું AI- એસ્પિરેશનલ ઇન્ડિયા.”