Monday, June 23, 2025
More

    ₹3 હજાર કરોડનો ખર્ચ, 2000ને રોજગાર: દેશના છઠ્ઠા સેમિકન્ડક્ટર પ્લાન્ટને મોદી સરકારની મંજૂરી, UPના જેવરમાં બનશે

    ભારત સરકારે ઉત્તર પ્રદેશના જેવરમાં ₹3,706 કરોડના ખર્ચે દેશનો છઠ્ઠો સેમિકંડક્ટર પ્લાન્ટ સ્થાપવાની યોજનાને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ ભારતની સેમિકંડક્ટર ઉત્પાદન ક્ષમતાને વેગ આપવા અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટના નિર્માણથી લગભગ 2,000 લોકોને સીધી રોજગારી મળશે.

    આ પ્લાન્ટ જેવર એરપોર્ટની નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં સ્થાપવામાં આવશે, જે લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીની દૃષ્ટિએ ફાયદાકારક સ્થળ છે. સેન્ટ્રલ કેબિનેટે યુપીમાં ચિપ એસેમ્બલી અને પેકેજિંગ યુનિટ સ્થાપવા માટે HCL અને ફોક્સકોન વચ્ચેના સંયુક્ત સાહસને મંજૂરી આપી છે. જે સરકારના ₹76,000 કરોડના મહત્વકાંક્ષી ઇન્ડિયા સેમિકંડક્ટર મિશન હેઠળ મજૂરી મેળવનારો છઠ્ઠો પ્રોજેક્ટ છે.

    આ પ્લાન્ટ મોબાઇલ ફોન, લેપટોપ, ઓટોમોબાઇલ્સ, પીસી અને અન્ય ઉપકરણો માટે ડિસ્પ્લે ડ્રાઇવર ચિપ્સનું ઉત્પાદન કરશે. આ સુવિધા દર મહિને 20,000 વેફર્સ માટે ડિઝાઇન કરવામાં આવશે અને તેની ઉત્પાદન ક્ષમતા દર મહિને 36 મિલિયન યુનિટ હશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, ભારત હમણાં સુધીમાં 5 સેમિકંડક્ટરને મંજૂરી આપી ચૂક્યું છે. એક યુનિટમાં તો આ વર્ષથી જ ઉત્પાદન કાર્ય શરૂ થઈ જશે.