મણિપુરમાં (Manipur) વધતી અશાંતિ અને તણાવ વચ્ચે કેન્દ્રીય રિઝર્વ પોલીસદળ (CRPF)ના મહાનિદેશક અનિષ દયાલ સિંઘ રવિવારે (17 નવેમ્બર) રાજ્યની મુલાકાતે પહોંચ્યા છે. આ મુલાકાત તેવા સમયે થઈ રહી છે, જ્યારે 16 નવેમ્બરે ઘણા ધારાસભ્યો અને મંત્રીઓના નિવાસસ્થાનો પર હુમલો થયો હતો.
મણિપુર પોલીસ પણ ઘટનાને લઈને એક્શનમાં આવી ગઈ હતી. તે સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ એક્શનમાં દેખાઈ રહ્યા છે. મણિપુરની ઘટનાને લઈને તેમણે રવિવારે (17 નવેમ્બરે) મહારાષ્ટ્રના વિદર્ભમાં તેમની તમામ રેલીઓ રદ કરી દીધી હતી અને દિલ્હી જવા માટે રવાના થઈ ગયા હતા.
આ સાથે જ જાણવા મળી રહ્યું છે કે, તણાવની સ્થિતિને લઈને મણિપુરમાં સેના, CRPF અને આસામ રાઈફલ્સના જવાનોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મણિપુર પોલીસ પણ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી હોવાનું સામે આવ્યું છે.