આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિર પ્રસાદ વિવાદ મામલે CBIના નેતૃત્વ હેઠળની SITએ 4 લોકોની ધરપકડ કરી છે. આ ચાર આરોપીઓ અલગ-અલગ ડેરી સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. એવી આશંકા છે કે, મંદિરને ચરબીવાળું ઘી આપવામાં આ આરોપીઓનો હાથ હોય શકે છે.
આ ઘટનાને લઈને એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. બે વ્યક્તિઓ ભોલે બાબા ડેરીના છે અને એક વ્યક્તિ ‘વૈષ્ણવી ડેરી’ સાથે સંકળાયેલો છે તથા અન્ય એક આરોપી ‘એઆર ડેરી’ સાથે સંકળાયેલો છે.” સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, SIT તપાસમાં ઘી સપ્લાયના દરેક તબક્કે અનિયમિતતાઓ બહાર આવી હતી, જેના કારણે ધરપકડ કરવામાં આવી રહી છે.
અધિકારીએ વધુમાં આરોપ લગાવ્યો છે કે, વૈષ્ણવી ડેરીના અધિકારીઓએ મંદિરમાં ઘી સપ્લાય કરવા માટે એઆર ડેરીના નામે ટેન્ડર મેળવ્યું હતું અને ટેન્ડર પ્રક્રિયામાં છેડછાડ કરવા માટે નકલી રેકોર્ડ બનાવવામાં પણ સામેલ હતા.