Monday, March 17, 2025
More

    સિંગર બી પ્રાકે રણવીર અલ્હાબાદિયા સાથેનો પૉડકાસ્ટ કર્યો રદ: ભારતીય સંસ્કૃતિને બચાવવાની કરી અપીલ

    જાણીતા સિંગર બી પ્રાકે (B Praak) રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahbadia) સાથેનો પોતાનો પૉડકાસ્ટ (Podcast) રદ (Cancel) કરી દીધો છે. તાજેતરમાં જ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં રણવીર અલ્હાબાદિયાએ કરેલી એક અશ્લીલ ટિપ્પણીને લઈને આખા દેશમાં વિરોધ ફાટી નીકળ્યો છે. આ સમય દરમિયાન જ બી પ્રાકે રણવીર સાથે પોતાનો પૉડકાસ્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર બી પ્રાકે એક વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે પૉડકાસ્ટ રદ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, “અમે બીયરબાઈસેપ્સ સાથે એક પૉડકાસ્ટ શુટ કરવા જઈ રહ્યા હતા, પરંતુ સમય રૈનાના શો પર તેની અશ્લીલ ટિપ્પણીને લઈને અમે તેને રદ કરી દીધો છે.”

    વધુમાં તેમણે કહ્યું કે, “આ આપણી ભારતીય સંસ્કૃતિ નથી. તમે તમારા માતા-પિતા વિશે કેવી વાતો કરી રહ્યા છો?” સિંગરે શોના શીખ જ્યુરી સભ્યની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, “શું શીખને આવા શોમાં ભાગ લેવો શોભા આપે છે, જ્યાં કોમેડીના નામે ગાળો અને વાંધાજનક ટિપ્પણી કરવામાં આવે છે.”

    નોંધનીય છે કે, વિરોધ ત્યારે શરૂ થયો, જ્યારે રણવીરે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં શોમાં એક સ્પર્ધકને તેના માતા-પિતાના સેક્સ અંગેનો પ્રશ્ન પૂછી લીધો હતો. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તેના પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ લાગી રહ્યો છે. જોકે, તેણે માફી માંગી લીધી હોવા છતાં વિરોધ શમવાનું નામ નથી લઈ રહ્યો.