પાકિસ્તાન વિરુદ્ધ ચલાવવામાં આવેલા ઑપરેશન સિંદૂરની ભવ્ય અને ઐતિહાસિક સફળતા બાદ હવે ગુજરાત સરકારે કચ્છમાં એક સ્મારક વન બનાવવાનો નિર્ણય કર્યો છે. આ વનને ‘સિંદૂર વન’ નામ આપવામાં આવશે.
‘સિંદૂર વન’નું નિર્માણ ભારત-પાકિસ્તાન સરહદે કચ્છ જિલ્લામાં થનાર છે. નિર્માણકાર્યમાં લગભગ દોઢેક વર્ષ લાગશે, જેનું પ્રાથમિક તબક્કાનું કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. વનમાં એ જગ્યા પણ આવરી લેવામાં આવશે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ઑપરેશનની સફળતા બાદ પ્રથમ ગુજરાત મુલાકાત દરમિયાન ભુજ આવીને એક સભા પણ સંબોધી હતી.
અધિકારીઓ અનુસાર, ઑપરેશન સિંદૂરની થીમ પર લગભગ 8 હેક્ટર જમીન વિસ્તારમાં મિયાવાકી વન વિકસાવવામાં આવશે. જેમાં પ્રતિ હેક્ટર 10 હજાર વૃક્ષો ઉછેરવાની ગણતરી છે. અહીં કુલ 35 પ્રજાતિઓનાં વૃક્ષો લાવીને રોપાશે.
વનમાં સેના સહિતનાં સશસ્ત્રબળોનાં પરાક્રમને ઉજાગર કરતી થીમ બનાવવામાં આવશે અને આ ઑપરેશનમાં અગત્યની ભૂમિકા ભજવીને ભારતને વિજય અપાવનારાં S-400, INS વિક્રાંત, બ્રહ્મોસ મિસાઈલ, રાફેલ જેટ વગેરે શસ્ત્રોની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવશે.
વનમાં પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા પ્રવાસીઓની યાદમાં એક અલગ વિભાગ પણ નિર્માણ પામશે.