Tuesday, March 25, 2025
More

    સિક્કિમ દેશની એવી પહેલી વિધાનસભા, જેમાં નહીં દેખાય કોઈ વિપક્ષી ધારાસભ્ય: 32માંથી 32 સીટો NDAના સહયોગી પક્ષ SKMની

    વિધાનસભામાં વિપક્ષી પાર્ટીઓ નબળી પડવી સ્વાભાવિક છે, પરંતુ સિક્કિમમાં તો વિપક્ષની તમામ પાર્ટીઓ સાફ થઈ જતી નજરે પડી રહી છે. સિક્કિમ વિધાનસભામાં (Sikkim Assembly) આવનારા કેટલાક દિવસોમાં વિપક્ષનો એક પણ ધારાસભ્ય જોવા મળશે નહીં. કારણ કે, તમામ બેઠકો પર સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ (SKM) જીત મેળવી છે.

    આવું થવા પાછળનું કારણ તાજેતરમાં બે બેઠકો પર થનારી પેટાચૂંટણી છે. અહીં બે બેઠકો પર પેટાચૂંટણી થવાની હતી, પરંતુ વિપક્ષના નેતાઓએ ઉમેદવારી પરત ખેંચી લેતા SKMના ઉમેદવારોની બિનહરીફ જીત થઈ હતી. જે બાદ રાજ્યની તમામ 32 વિધાનસભા બેઠકો SKMના ફાળે ગઈ છે.

    સિક્કિમમાં આ વર્ષેની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રેમ સિંઘ તવાંગના નેતૃત્વમાં SKMએ રાજ્યની 32માંથી 31 વિધાનસભા બેઠકો પર જીત નોંધાવી હતી. ત્યાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ના એક માત્ર ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા. પરંતુ, જુલાઈમાં તેઓ પણ સરકાર સાથે થઈ ગયા હતા.

    પ્રેમ સિંઘ તવાંગે બે વિધાનસભા બેઠકો પર ચૂંટણી જીતી હતી, જે બાદ એક પરથી રાજીનામું આપ્યું હતું. સાથે જ તેમના પત્નીએ પણ રાજીનામું આપ્યું હતું. જે બાદ ખાલી પડેલી બંને બેઠકો પર પેટાચૂંટણી થવાની હતી, પરંતુ વિપક્ષી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જેના કારણે તે બંને બેઠકો પર SKMના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.