Saturday, July 12, 2025
More

    ‘મારા ખભા પર તિરંગો છે, આ ભારતના હ્યુમન સ્પેસ પ્રોગ્રામની શરૂઆત’: મિશનના સફળતાપૂર્વક લૉન્ચિંગ બાદ શુભાંશુ શુક્લાએ મોકલ્યો પ્રથમ સંદેશ

    અમેરિકાના એક્સિઓમ મિશનના સફળતાપૂર્વક લૉન્ચિંગ સાથે જ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી (Astronaut) તરીકે શુભાંશુ શુક્લાનું (Shubhanshu Shukla) નામ ઇતિહાસમાં નોંધાય ગયું છે. બુધવારે (25 જૂન) એક્સિઓમ-4 (Axiom-4) મિશન અંતર્ગત શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાયાત્રીઓએ કેનેડી સ્પેસ સેન્ટર પરથી સ્પેસ એક્સના સ્પેસક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. ભારતીય સમય અનુસાર 12.1 વાગ્યે સ્પેસક્રાફ્ટ અવકાશમાં જવા ઉપડ્યું હતું. આ દરમિયાન સ્પેસક્રાફ્ટમાંથી શુભાંશુ શુક્લાએ તેમનો પહેલો સંદેશ પણ મોકલ્યો હતો.

    દેશવાસીઓને સંબોધતા તેમણે કહ્યું, “નમસ્કાર મારા પ્રિય દેશવાસીઓ…શું સવારી હતી! 41 વર્ષ પછી આપણે ફરીથી અવકાશમાં પહોંચી ચૂક્યા છીએ. અત્યારે અમે 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૃથ્વીની આસપાસ ફરી રહ્યા છીએ. મારા ખભા પર મારો તિરંગો છે, જે મને કહી રહ્યો છે કે, હું એકલો નથી, હું તમારા બધાની સાથે છું.”

    વધુમાં તેમણે કહ્યું કે, “આ ફક્ત મારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધીની યાત્રાની શરૂઆત નથી, આ ભારતના હ્યુમન સ્પેસ પ્રોગ્રામની શરૂઆત છે, અને હું ઈચ્છું છું કે બધા દેશવાસીઓ આ યાત્રાનો ભાગ બને. તમારી છાતી પણ ગર્વથી ફૂલવી જોઈએ. તમે પણ એ જ ઉત્સાહ દર્શાવો. ચાલો આપણે બધા સાથે મળીને ભારતના આ હ્યુમન સ્પેસ પ્રોગ્રામની શરૂઆત કરીએ. આભાર, જય હિંદ-જય ભારત.”